ઓઝા, વિજયશંકર ગૌરીશંકર (જ. 1837, ઘોઘા; અ. સપ્ટેમ્બર 1892) : જૂના ભાવનગર રાજ્યના દીવાન. પિતાનું નામ ગૌરીશંકર અને માતાનું નામ કસબીબહેન. ઘોઘામાં જ ગુજરાતી અને થોડું અંગ્રેજી શિક્ષણ લીધું. 16 વર્ષની કુમળી વયે 1853માં એક સામાન્ય કારકુન તરીકે ભાવનગર રાજ્યની સેવામાં જોડાયેલા. વિજયશંકર 1884ના ઑક્ટોબરમાં શામળદાસના મૃત્યુ પછી 1884થી 1892ના મે સુધી દીવાનપદે રહ્યા. પોતાની દીર્ઘકાલીન કારકિર્દી દરમિયાન ખાતાબંદી પદ્ધતિ, નિશાળો, સંસ્કૃત પાઠશાળાઓ તથા જૂના શોધખાતાની સ્થાપના તેમજ જળાશયો, તળાવો, કૂવા અને સદાવ્રતો બંધાવી લોકહિતનાં અનેકવિધ કાર્યો તેમણે કર્યાં હતાં. અચળ અને ઉત્કૃષ્ટ રાજભક્તિ ધરાવતા તેમજ રાજ્યના શ્રેયને જ પ્રાધાન્ય આપનાર વિજયશંકરનો વહીવટ સ્મરણીય ગણાયો છે.
પોપટભાઈ ગો. કોરાટ