ઓઝા, વાઘજી આશારામ (જ. 1850; અ. 1897) : ઓગણીસમી સદીની વ્યવસાયી ગુજરાતી રંગભૂમિના અગ્રણી નાટ્યકાર. જન્મ મોરબીમાં. માતા અંબાએ બાળપણથી તેમને ધ્રુવ, નચિકેતા વગેરેની વાતો કહીને સંસ્કાર આપેલા. મોરબીનરેશે આપેલી શિષ્યવૃત્તિની સહાય વડે મેટ્રિક થયેલા. પછી શિક્ષક બન્યા. રાજકુમાર હેમુભાને પણ ભણાવતા. મોરબીમાં રામભાઉ નાટકમંડળીનું નાટક જોઈને તેમણે અસંતોષ વ્યક્ત કર્યો. તેથી મોરબીનરેશે એમને નાટકો લખવાનું સૂચન કર્યું. 1878માં તેમણે મોરબી આર્ય સુબોધ નાટકમંડળી સ્થાપી. ‘સીતાસ્વયંવર’ના વસ્તુને તેમણે ખરું નાટ્યસ્વરૂપ આપ્યું. તે 1880માં ભજવાયું. પછી ‘ચિત્રસેન ગાંધર્વ’ અને ‘કેસરીસિંહ પરમાર’ નાટકો રચીને ભજવ્યાં. તેમને ઉત્તમ ખ્યાતિ અપાવનાર સંગીતપ્રધાન પાંચઅંકી નાટક ‘ભર્તૃહરિ’. તે નાટક પણ 1880માં રજૂ થયું હતું. રાજા ભરથરીનું પાત્ર તેમના ભાઈ મૂળજી આશારામ ઓઝાએ ઉત્તમ રીતે ભજવ્યું હતું. તેની અસર પ્રેક્ષકો પર એવી થતી કે તે જોઈને કેટલાક સંસાર તજી ગયેલા એવું કહેવાય છે.
‘ચાંપરાજ હાડો’ નાટકમાં અકબર બાદશાહના દરબારમાં ઉર્દૂ ભાષા, કવિ ગંગના છંદ રાજસ્થાની ભાષામાં, એમ જેવું પાત્ર તેવી ભાષા તે વાપરતા. તે નાટકમાં 69 ગીતો હતાં. મુંબઈમાં ‘ચાંપરાજ હાડો’, ‘ભર્તૃહરિ’ અને ‘રાણા રાજસિંહ’નાં નાટકો દ્વારા સાત માસમાં 30,000 જેટલી કમાણી કરી હતી. ‘ત્રિવિક્રમ’ (1893) નાટકમાં ગરબો દાખલ કરીને નાટકમાં ગરબારાસને સ્થાન આપ્યું; જેની પછી ગુજરાતની આ તળપદી કલાનો નાટકમાં ઉપયોગ કરવાની પરંપરા ઊભી થઈ. ‘ચંદ્રહાસ’(1894)માં મૂકેલો વટસાવિત્રીના પૂજનનો ગરબો અને ‘ભર્તૃહરિ’નાં ગીતોએ ગુજરાતને ઘેલું કર્યું હતું. 30મી જાન્યુઆરી 1897ના દિને ક્ષયરોગને કારણે તેમનું મૃત્યુ થયું હતું. મોરબીમાં એક માર્ગને વાઘજી આશારામનું નામ આપવામાં આવ્યું છે.
કૃષ્ણવદન જેટલી