ઓઝાંફાં (જ. 15 એપ્રિલ 1886, સેંટ ક્વેન્ટિન, ફ્રાન્સ; અ. 4 મે 1966, ફ્રાન્સ) : ફ્રેન્ચ કલાકાર. પૅરિસની પ્યુરિસ્ટ ઝુંબેશના અગ્રણી. 1919માં લ કૉર્બૂઝિયેના સહયોગમાં તેમણે પ્યુરિઝમનું ઘોષણાપત્ર બહાર પાડ્યું. 1921થી ’25 દરમિયાન તેમણે નવીન કલાવિચારોના પ્રચાર અને પ્રવર્તન માટે ‘ન્યૂ સ્પિરિટ’ નામક સામયિક પ્રગટ કર્યું. બંનેએ ભેગા મળીને ‘આફ્ટર ક્યુબિઝમ’ (1918) અને ‘મૉડર્ન પેન્ટિંગ’ (1925) નામનાં પુસ્તકો લખ્યાં. આ સિદ્ધાંતના આધારે રચાયેલ પદાર્થચિત્રોમાં દ્વિપરિમાણી આકારોનું તેમણે સર્જન કર્યું. તેમણે લંડન(1935)માં અને ન્યૂયૉર્ક(1938)માં કલાશાળાઓની સ્થાપના કરી. તેમનાં પ્રકાશનોમાં ‘આર્ટ’ (1928) તથા 1931થી ’34નાં વર્ષોની ડાયરી મુખ્ય છે.
નટુભાઈ પરીખ