ઓક્લાહોમા (શહેર) : અમેરિકાના ઓક્લાહોમા રાજ્યની રાજધાની તથા દેશનાં મોટાં વિમાની ઉડ્ડયન અને સંચાલન-મથકોમાંનું એક. ભો. સ્થા. : 350 28′ ઉ. અ. અને 970 30′ પ. રે. ઓક્લાહોમા એટલે ‘red people’. ઉત્તર કૅનેડિયન નદી પર તે રાષ્ટ્રપ્રમુખના જાહેરનામા (1889) દ્વારા વસાવેલું છે. શહેર વિસ્તારની વસ્તી 6,81,054 (2020) છે. તેનો ભૌગોલિક વિસ્તાર 1,646 ચો.કિમી. છે, જેથી વિસ્તારની ર્દષ્ટિએ તે દેશનું મોટામાં મોટું શહેર હતું (1961). 1910માં તે ઓક્લાહોમા રાજ્યનું પાટનગર બન્યું છે. આ શહેરનું શિયાળું તાપમાન 10 સે. અને ઉનાળું તાપમાન 270 સે. જેટલું રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 8,000 મિમી. જેટલો પડે છે.
ડિસેમ્બર, 1928માં ખનિજ તેલની શોધ થતાં તેના વિકાસની ઝડપ ખૂબ વધી. ખનિજતેલ તથા ખેતપેદાશોનું ઉત્પાદન કરતા વિસ્તારનું તે ઔદ્યોગિક, વ્યાપારી તથા વહેંચણીનું કેન્દ્ર છે. ખનિજતેલ-શુદ્ધીકરણ ઉપરાંત ત્યાં વિમાન તથા તેના છૂટા ભાગ, વીજળીનાં સાધનો તથા ઉપકરણો, સંદેશાવ્યવહારનાં સાધનો, કમ્પ્યૂટર, કાગળની બનાવટો તથા ખાદ્ય પદાર્થોના ઉત્પાદન-એકમો છે. કપાસ, ઘઉં જેવી ખેતપેદાશો અને ઢોરઢાંખરની નિકાસનું તે કેન્દ્ર છે. હવાઈ વ્યવહારની સુરક્ષિતતા (air safety) અને વિમાની મથકોના સંચાલન તથા વહીવટની તાલીમ ત્યાં અપાય છે.
ત્યાં બે રેલમાર્ગો, પાંચ હવાઈ માર્ગો, ત્રણ મ્યુનિસિપલ વિમાની મથકો તથા ફેડરલ એવિયેશન એડમિનિસ્ટ્રેશન ઍરોનોટિકલ સેન્ટર છે. પર્યટકો માટે વિધાનસભાગૃહ, હિસ્ટૉરિકલ સોસાયટી મ્યુઝિયમ, ધ નૅશનલ કાઉબૉય હૉલ ઑવ્ ફેમ ઍન્ડ ધ વેસ્ટર્ન હેરિટેજ સેન્ટર (1965). લિંકન પાર્ક પ્રાણીસંગ્રહાલય, નૅશનલ સૉફ્ટબૉલ હૉલ ઑવ્ ફેમ ઍન્ડ મ્યુઝિયમ, આર્ટ સેન્ટર, સાયન્સ ઍન્ડ આર્ટ ફાઉન્ડેશન, પ્લેનેટોરિયમ, સિંફની ઑર્કેસ્ટ્રા તથા કમ્યુનિટી થિયેટર ખાસ નોંધપાત્ર છે. હિસ્ટૉરિકલ સોસાયટી મ્યુઝિયમમાં પ્રાચીન ભારતીય વસ્તુસંગ્રહ (Indian archives) પણ છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે