ઓકુન, આર્થર એમ. (જ. 28 નવેમ્બર 1928, જર્સી સિટી, ન્યૂજર્સી, યુ. એસ.; અ. 23 માર્ચ 1980, વોશિંગ્ટન ડી. સી., યુ. એસ.) : વિખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી. કોલંબિયા યુનિવર્સિટીમાંથી 1956માં અર્થશાસ્ત્રમાં પદવી પ્રાપ્ત કર્યા પછી થોડાક સમય માટે યેલ યુનિવર્સિટીમાં સંશોધનકાર્ય કર્યું. 1964-69 દરમિયાન અમેરિકન સરકારના કાઉન્સિલ ઑવ્ ઇકૉનૉમિક ઍડવાઇઝરના સભ્ય તથા 1968-69 દરમિયાન તેના ચૅરમૅન. 1970-80 દરમિયાન સુવિખ્યાત બ્રૂકિંગ્જ ઇન્સ્ટિટ્યૂશનમાં સિનિયર ફેલો.
ઓકુનનું સંશોધનકાર્ય ‘Potential G.N.P. : its measurement and significance’ શીર્ષક હેઠળ 1962માં અમેરિકન સ્ટેટિસ્ટિકલ ઍસોસિયેશન પ્રોસીડિંગ્ઝમાં પ્રકાશિત થયું હતું. તેમાં કુલ રાષ્ટ્રીય પેદાશ (G.N.P.) તથા રોજગારીની સપાટીના વચ્ચેના સંબંધનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ વિશ્લેષણ પરથી તેમણે દર્શાવ્યું કે વાસ્તવિક કુલ રાષ્ટ્રીય પેદાશ તથા પૂર્ણ રોજગારીની સપાટી સાથે સુસંગત કુલ રાષ્ટ્રીય પેદાશ વચ્ચેનું પ્રમાણ તથા અર્થતંત્રમાં પ્રવર્તમાન બેકારીના દર વચ્ચે વ્યસ્ત સંબંધ હોય છે. આ તારણ ‘ઓકુનના નિયમ’ તરીકે ઓળખાય છે.
તેમનાં અન્ય પ્રકાશનોમાં ‘ધ પૉલિટિકલ ઇકૉનૉમી ઑવ્ પ્રૉસ્પેરિટી’ (1970); ‘અપવર્ડ મોબિલિટી ઇન અ હાઇ પ્રેશર ઇકૉનોમી’ (1973) તથા ‘પ્રાઇસિસ ઍન્ડ ક્વૉન્ટિટીઝ : અ મૅક્રો ઇકૉનૉમિક ઍનાલિસિસ’ (મરણોત્તર – 1981) મુખ્ય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે