ઑર્થોસિલિકેટ ખનિજો : સિલિકેટ ખનિજોનો એક વર્ગ. મૅગ્મામાંથી ઉદભવતાં ખનિજો મૅગ્માજન્ય ખનિજો અથવા આગ્નેય ખનિજો (pyrogenetic minerals) તરીકે ઓળખાય છે. મૅગ્માના બંધારણમાં ઑક્સિજન અને સિલિકોન વિપુલ પ્રમાણમાં રહેલાં તત્વો છે. પરિણામે અગ્નિકૃત ખડકોમાં મળી આવતાં ખનિજો મુખ્યત્વે સિલિકેટ અને સિલિકા છે. સિલિકા ઉપરાંત થોડાં અન્ય ઑક્સાઇડ ખનિજો પણ અગ્નિકૃત ખડકોમાં જોવા મળે છે; અન્ય સંયોજનો ગૌણ પ્રમાણમાં રહેલાં હોય છે, જે ખડકવિદ્યાની ર્દષ્ટિએ મહત્વનાં બની રહે છે. ઉપર જણાવ્યા પ્રમાણે અગ્નિકૃત ખડકોના બંધારણમાં રહેલાં ખનિજો સિલિકેટ છે, જેમની ઉત્પત્તિ માટે મૅગ્માના બંધારણમાં વિપુલ પ્રમાણમાં રહેલું સિલિકન તત્વ જવાબદાર છે. સિલિકન તત્વ અનેક ઍસિડ બનાવે છે. એ પૈકી નીચેના ત્રણ ઍસિડ ખડકવિદ્યાની ર્દષ્ટિએ મહત્વના છે :
ઑર્થોસિલિસિક ઍસિડ – 2H2O – SiO2
મેટાસિલિસિક ઍસિડ – 2H2O – 2SiO2
પૉલિસિલિસિક ઍસિડ – 2H2O – 3SiO2
મૅગ્માના બંધારણમાં રહેલા ઘટકો જેવા કે K2O, Na2O, CaO, FeO, Fe2O3, MgO, Al2O3, TiO2 વગેરે પૈકી એક કે વધુ ઑક્સાઇડનું ઉપર જણાવેલા સિલિસિક ઍસિડ સાથે જોડાણ થવાથી સિલિકેટ ખનિજો તૈયાર થાય છે. આ પ્રમાણે જે તે સિલિસિક ઍસિડ સાથેના જોડાણ મુજબ ઑર્થોસિલિકેટ, મેટાસિલિકેટ કે પૉલિસિલિકેટ ખનિજો બને છે. સિલિકેટ ખનિજોના આ પ્રકારના વર્ગીકરણ માટે ખનિજના બંધારણમાં રહેલા બેઝ અને ઍસિડ ભાગના ઑક્સિજનના ગુણોત્તરને પ્રમાણ તરીકે લેવામાં આવે છે, જે નીચેના ઉદાહરણ ઉપરથી સમજી શકાય :
સિલિકેટ પ્રકાર | ઑક્સિજન ગુણોત્તર | ઉદાહરણ |
ઑર્થોસિલિકેટ | 1:1 | એનોર્થાઇટ, |
નૅફેલિન, | ||
ઑલિવિન, | ||
મેટાસિલિકેટ | 1:2 | હાઇપરસ્થીન, |
ડાયોપ્સાઇડ, | ||
લ્યુસાઇટ. | ||
પૉલિસિલિકેટ | 1:3 | ઑર્થોક્લેઝ, |
આલ્બાઇટ |
એ નોંધવું જરૂરી છે કે Al2O3 હમેશાં બીજા કોઈ ઑક્સાઇડની સાથે રહીને SiO2 સાથે જોડાય છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે