ઑર્ગેનિઝેશન ફૉર યુરોપિયન ઈકોનૉમિક કો-ઑપરેશન (O.E.E.C.)
January, 2004
ઑર્ગેનિઝેશન ફૉર યુરોપિયન ઈકોનૉમિક કો-ઑપરેશન (O.E.E.C.) : પશ્ચિમ યુરોપના યુદ્ધોત્તર આર્થિક પુનરુત્થાન માટે સ્થપાયેલી સંસ્થા. અમેરિકાના વિદેશમંત્રી જ્યૉર્જ માર્શલે પશ્ચિમ યુરોપના દેશોને યુદ્ધોત્તર સમયમાં ફરી બેઠા કરવા જાણીતી માટે જરૂરી આર્થિક મદદ કરવાની યોજના જાહેર કરેલી તે ‘માર્શલ પ્લાન’ તરીકે જાણીતી છે. આ યોજનાને આધારે જુલાઈ 1947માં પૅરિસ ખાતે યુરોપીય રાષ્ટ્રોની એક બેઠકમાં અમેરિકાની ‘યુરોપિયન કો-ઑપરેશન ઍડમિનિસ્ટ્રેશન’ અને પશ્ચિમ યુરોપની આર્થિક સુધારણાના કાર્યક્રમના સંકલન માટે ‘ઑર્ગેનિઝેશન ફૉર યુરોપિયન ઈકોનૉમિક કો-ઑપરેશન’ની રચના કરવામાં આવી હતી. એપ્રિલ 1948માં યુરોપનાં 16 રાષ્ટ્રોના મંત્રીઓ અને પશ્ચિમ જર્મની વતી મિત્રરાજ્યોના પ્રતિનિધિઓએ એક અધિકારપત્ર(convention)ને મંજૂરી આપી જેને આધારે ઓ.ઈ.ઈ.સી.ની સ્થાપના થઈ હતી. આ સંસ્થાનાં 16 સભ્ય રાષ્ટ્રોમાં ઑસ્ટ્રિયા, બેલ્જિયમ, ડેન્માર્ક, ફ્રાંસ, ગ્રીસ, આઇસલૅન્ડ, પ્રજાસત્તાક આયર્લૅન્ડ, ઇટલી, લક્સમ્બર્ગ, નેધરલૅન્ડ્ઝ, નૉર્વે, પૉર્ટુગલ, સ્વીડન, સ્વિટ્ઝર્લૅન્ડ, તુર્કી અને યુનાઇટેડ કિંગડમ હતાં. બહુદેશીય (multilateral) વ્યાપાર અને ચુકવણી પદ્ધતિ, વ્યાપાર-નિયંત્રણોમાં ઘટાડો અને વ્યાપાર-સમતુલાની પુન:સ્થાપના આ ઉપરોક્ત કરારના મુખ્ય ઉદ્દેશો હતા. 1948થી 1952ના ગાળામાં મળતી અમેરિકન આર્થિક મદદની ઇષ્ટ વહેંચણી શક્ય બને, તે માટે યુરોપના સંદર્ભમાં પુનરુત્થાન યોજના ઘડીને તેનો તાત્કાલિક અમલ કરવાની જરૂર હતી. તે સાથે આયાતો ઉપરનાં પરિમાણાત્મક નિયંત્રણોમાં પણ ક્રમશ: ઘટાડો કરવામાં આવ્યો હતો. બહુદેશીય ચુકવણી પદ્ધતિને પ્રોત્સાહિત કરવા માટે 1950માં ‘યુરોપિયન પેમેન્ટ્સ યુનિયન’ની રચના કરવામાં આવી હતી. ત્યારપછીનાં વર્ષોમાં આ સંસ્થાનાં સભ્ય રાષ્ટ્રો વચ્ચે સાધનો-શ્રમ અને મૂડી-ની હેરફેર સરળ બને તે માટે તે ઉપરનાં નિયંત્રણો પણ હળવાં કરવામાં આવ્યાં હતાં. યુરોપના આર્થિક સમુદાયના સભ્યો અને અન્ય સભ્ય રાષ્ટ્રો વચ્ચે આર્થિક જોડાણ શક્ય બને તે માટે ઓ.ઈ.ઈ.સી.એ ‘યુરોપિયન ફ્રી ટ્રેડ એરિયા’(EFTA)ની દરખાસ્ત કરી હતી, પણ યુરોપીય સમુદાયનાં કેટલાક સભ્ય રાષ્ટ્રોના વિરોધને લીધે તે સ્વીકારાઈ નહોતી. ઓ.ઈ.ઈ.સી.ને વિસ્તારવાના હેતુથી 1961માં ‘ઑર્ગેનિઝેશન ફૉર ઈકોનૉમિક કો-ઑપરેશન ઍન્ડ ડેવલપમેન્ટ’(ઓ.ઈ.સી.ડી.)ની સ્થાપના થઈ; તેણે હવે ઓ.ઈ.ઈ.સી.નું સ્થાન લીધેલું છે. ડિસેમ્બર 1960માં પૅરિસ ખાતે ઓ.ઇ.ઇ.સી.ના મૂળ 16 સભ્યો વધતા સ્પેન, અમેરિકા અને કૅનેડાના સહયોગથી ઓ.ઇ.સી.ડી.ની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ ઑસ્ટ્રેલિયા, ફિન્લૅન્ડ, જાપાન, ન્યુઝીલૅન્ડ પણ તેમાં જોડાયાં. સમય જતાં ઝેકોસ્લોવાક પ્રજાસત્તાક, હંગેરી, મેક્સિકો અને તુર્કી પણ તેમાં સામેલ થયાં.
આ સંસ્થાના ઉદ્દેશોમાં (1) સભ્ય દેશોમાં આર્થિક વૃદ્ધિ તથા રોજગારીની તકોનું વિસ્તરણ (2) સભ્ય દેશો અને સભ્ય ન હોય તેવા પણ અલ્પવિકસિત હોય તેવા દેશોનો આર્થિક વિકાસ સાધવો તથા બહુપક્ષીય વ્યાપારના ધોરણે વિશ્વવ્યાપારને પ્રોત્સાહિત કરવો.
આ સંસ્થા વિશેષ રીતે આટલા માટે મહત્વ ધરાવે છે કે ઔદ્યોગિક દેશો માટે આંતરરાષ્ટ્રીય નાણાકીય સમસ્યાઓની ચર્ચા કરવા માટે તથા વિકાસશીલ દેશોને આર્થિક સહાય તથા તકનિકી સહાય આપવા અંગેના નિર્ણયો લેવા માટે ઓ.ઇ.સી.ડી. એક સહિયારા મંચ તરીકે કામ કરે છે.
પરાશર વોરા