ઑફિટિક કણરચના (ophitic texture) : અગ્નિકૃત ખડકોમાં જોવા મળતી પોઇકિલિટિક કણરચનાનો લાક્ષણિક પ્રકાર. તેમાં પ્લેજિયોક્લેઝ ફેલ્સ્પારની લંબચોરસ આકારની પૂર્ણ કે અપૂર્ણ પાસાદાર સ્ફટિક-તકતીઓ પાયરોક્સીન (મોટેભાગે ઑગાઇટ) સ્ફટિકોમાં જડાયેલી હોય છે. આ પ્રકારની કણરચના વિશેષત: ડોલેરાઇટ કે ડાયાબેઝમાં જોવા મળતી હોવાથી તે ખડકોની પરખ માટે લાક્ષણિક કસોટીસમ બની રહે છે. ઑફિટિકને બદલે ક્યારેક ‘ડાયાબેઝિક’ શબ્દ પણ આ કણરચના માટે વપરાય છે. ખડક જેમ મોટા સ્ફટિકોનો બનેલો હોય તેમ પાયરૉક્સીન અને પ્લેજિયોક્લેઝ લગભગ સરખા કદના હોય છે. તેથી પ્લેજિયોક્લેઝ તકતીઓ ઑગાઇટમાં પૂરેપૂરી ઘૂસેલી હોતી નથી, પરતુ અર્ધી અંદર અને અર્ધી બહાર હોય છે. આ પ્રકારની કણરચના ‘સબઑફિટિક’ કહેવાય છે. ક્યારેક એવું પણ બને કે ઑફિટિક કણરચના માત્ર થોડાક ખડકભાગ પૂરતી જ મર્યાદિત હોય અને બાકીનો ખડકભાગ વચ્ચે વચ્ચે આંતરદાણાદાર (intergranular) કે આંતરપૂરણ (intersertal) કણરચના દર્શાવતો હોય. આવા દેખાવને હકીકતમાં તો સંરચના (structure) કહેવાય; ખડકોમાં જોડાજોડ જોવા મળતી આવી બે પ્રકારની કણરચના માટે ‘ઓફિયોમોટલિંગ’ શબ્દ પ્રયોજાયેલો છે, પરંતુ ક્યારેક વિકૃતિ પામેલા ડોલેરાઇટ જેવા ખડકોમાં ઑગાઇટને વિસ્થાપિત કરતા હૉર્નબ્લેન્ડ સાથે પણ આ કણરચના જળવાઈ રહેલી જોવા મળતી શકતી હોવા છતાં એવા ખડકો માટે આ પર્યાય વિશિષ્ટ રૂપે વપરાતો નથી.
ગિરીશભાઈ પંડ્યા