ઑઝુ અસર (Auger effect) : ફ્રેન્ચ વિજ્ઞાની પિયેર વિક્તર ઑઝુએ શોધેલી પરમાણુ ભૌતિકવિદ્યા(automic physics)ની એક સ્વત: પ્રવર્તિત (spontaneous) પ્રક્રિયા. પરમાણુને ન્યૂક્લિયસ અને તેની ફરતે એકકેન્દ્રીય (concentric) ઇલેક્ટ્રૉન કવચો (shells) આવેલાં હોય છે. અંત:સ્થ ‘K’ કવચમાંનાં ઇલેક્ટ્રૉનને, ઇલેક્ટ્રૉનના પ્રચંડ વર્ષણ અથવા ન્યૂક્લિયસના શોષણ દ્વારા કે અન્ય રીતે દૂર કરવામાં આવે, ત્યારે બીજા ઊંચા કવચમાંનો ઇલેક્ટ્રૉન કૂદકો મારીને તે ખાલી જગ્યા પૂરે છે અને વધારાની ઊર્જા મુક્ત થાય છે. મુક્ત થતી આ ઊર્જા, એક જ પ્રકારનાં લક્ષણ ધરાવતાં એક્સ-કિરણોમાં ઉત્સર્જિત થવાને બદલે તે ‘L’, ‘M’, …… વગેરે ઊંચા કવચમાંથી એક વધુ ઇલેક્ટ્રૉનને ઉત્સર્જિત કરે છે, જેને ‘ઑઝુ’ ઇલેક્ટ્રૉન કહે છે. તેની ગતિજ ઊર્જા (kinetic energy), એક્સ-કિરણની ઊર્જા અને ઉત્ક્ષેપિત (ejected) ઇલેક્ટ્રૉનની બંધન ઊર્જા(binding energy)ના તફાવત જેટલી હોય છે. આ કારણે ઑઝુ અસરને, પરમાણુની આંતરિક ફોટોઇલેક્ટ્રૉન પ્રક્રિયા પણ કહે છે. કવચમાંથી ઑઝુ ઇલેક્ટ્રૉન ઉત્સર્જનની સંભાવનાને, તે કવચની ઑઝુ નીપજ કહે છે, જેનું મૂલ્ય પરમાણુક્રમાંક ‘z’ (ન્યૂક્લિયસમાંના પ્રોટૉનની સંખ્યા) અથવા ન્યૂક્લિયસ બહારના ઇલેક્ટ્રૉનની સંખ્યા સાથે ઘટતું હોય છે. z = 30 (ઝિંક પરમાણુ) માટે અતિ અંત:સ્થ k કવચમાંથી એક્સ-કિરણના ઉત્સર્જન અને ઑઝુ ઇલેક્ટ્રૉનના ઉત્સર્જનની સંભાવના લગભગ એકસરખી હોય છે. આ જ અસર, જ્યારે ઍક્સ-કિરણના ઊર્જા વિસ્તારને બદલે પ્રકાશીય વિસ્તાર(optical region)માં ઉદભવે ત્યારે તેને સ્વયં-આયનીકરણ (autoionisation) કહે છે. તત્ત્વ, સંયોજન, ન્યૂક્લિયસ તથા ‘મ્યૂઑન’ નામના પ્રાથમિક કણના ગુણધર્મોના અભ્યાસ માટે ઑઝુ અસર બહુ ઉપયોગી છે.
એરચ મા. બલસારા