ઑક્સફર્ડ યુનિવર્સિટી : બ્રિટનની અગ્રગણ્ય યુનિવર્સિટી. 1167ની સાલમાં પૅરિસ યુનિવર્સિટીમાં બ્રિટિશ વિદ્યાર્થીઓને પ્રવેશ મળતો બંધ થતાં બારમી સદીના અંતભાગમાં ઑક્સફર્ડ યુનિવર્સિટીની સ્થાપના થઈ. શરૂઆતમાં તે પૅરિસ યુનિવર્સિટીના નમૂના પર રચાઈ હોવાથી તેમાં ધર્મ, કાયદાશાસ્ત્ર, ચિકિત્સા અને વિનયનના અભ્યાસક્રમો શીખવાતા હતા. એ અરસામાં યુનિવર્સિટીનાં પોતાનાં મકાનો ન હતાં, પણ ભાડાનાં મકાનોમાં વ્યાખ્યાનો યોજવામાં આવતાં. 1354ની સાલમાં ઑક્સફર્ડમાં એક તરફ નાગરિકો અને બીજી તરફ યુનિવર્સિટીના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ વચ્ચે (town and gown riot) બે દિવસ અથડામણ થઈ, એમાં ઘણા વિદ્યાર્થીઓ મૃત્યુ પામેલા. આ સંઘર્ષમાં યુનિવર્સિટીના શિક્ષકોની હાર થઈ હતી.
ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં સમાવિષ્ટ કૉલેજો પોતે સ્વાયત્ત રહી છે. તેની હાલ અસ્તિત્વ ધરાવતી કૉલેજોમાં 1249માં સ્થપાયેલ યુનિવર્સિટી કૉલેજનો સમાવેશ થાય છે. 1263માં બેલિયોલ કૉલેજની સ્થાપના થઈ હતી. પાછળથી યુનિવર્સિટીમાં પ્રાકૃતિક વિજ્ઞાનોનું શિક્ષણ શરૂ થયું. તેરમી સદીમાં યુનિવર્સિટીને બ્રિટનના રાજા તરફથી માન્યતા મળતાં તે વધુ ર્દઢ થઈ, પણ પુનરુત્થાનકાળ દરમિયાન ધાર્મિક કૉલેજનું દમન થયું. પંદરમી સદીમાં નવા સ્વરૂપમાં ધાર્મિક કૉલેજ (Divinity School) શરૂ થઈ અને 1571માં બ્રિટનની પાર્લમેન્ટના કાયદાથી યુનિવર્સિટીને માન્યતા મળી.
વીસમી સદી દરમિયાન ઑક્સફર્ડ યુનિવર્સિટીના અભ્યાસક્રમો આધુનિક બન્યા અને નવી વિદ્યાશાખાઓ ઉમેરવામાં આવી. આજે ઑક્સફર્ડ યુનિવર્સિટીનું ધોરણ ખૂબ ઊંચું ગણાય છે. આ યુનિવર્સિટીના પ્રાધ્યાપકોમાં કેટલાકે નોબેલ પારિતોષિક મેળવ્યાં છે. આવા નોબેલ પારિતોષિક વિજેતાઓ તથા ઉચ્ચ કક્ષાના રાજનીતિજ્ઞોમાં જ્હૉન વેસ્લી, કાર્ડિનલ વુલ્ઝી, ઑસ્કાર વાઇલ્ડ, સેસિલ રોહ્ડસ, સર વૉલ્ટર રૅલે, એડમન્ડ હેલી, રૉબર્ટ બૉઇલ, સર જ્હૉન હિક્સ, આર. આર. પૉર્ટર, ટિન બર્જન વગેરેનો સમાવેશ થાય છે. આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાંથી કેટલાક બ્રિટનના વડાપ્રધાન બન્યા છે, એમાં વિલિયમ પિટ્ટ ધ એલ્ડર, કૅનિંગ, પીલ, લૉર્ડ સેલિસબરી, ગ્લૅડસ્ટન, એસક્વિથ, ક્લેમેન્ટ એટલી, ઍન્થની ઇડન, હૅરોલ્ડ મેકમિલન, એડવર્થ હીથ, સર હૅરોલ્ડ વિલ્સન અને માર્ગારેટ થેચરનો સમાવેશ થાય છે. ભારતના તથા અન્ય કૉમનવેલ્થ દેશોના ઘણા વિદ્વાનો તથા રાજનીતિજ્ઞો ઑક્સફર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હતા. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણન્ આ યુનિવર્સિટીમાં ‘પૂર્વના ધર્મો અને તત્વજ્ઞાન’ના અધ્યાપક રહ્યા હતા.
સરકારનું અનુદાન ઓછું પડવાથી યુનિવર્સિટીએ અમેરિકાના ધનિકો તરફથી ભેટ તરીકે નાણાં સ્વીકારવા તરફ વલણ દાખવ્યું છે. અમેરિકાના ધનપતિ જ્હૉન ટેમ્પલટને નાણાં આપ્યા પછી સ્કૂલ ઑવ્ મૅનેજમેન્ટ સાથે તેમનું નામ જોડાયું છે.
કૃષ્ણકાંત ગો. દેસાઈ