ઑક્સફર્ડ : ઇંગ્લૅન્ડના ઑક્સફર્ડશાયર જિલ્લાનું મહત્વનું શહેર. ભૌગોલિક સ્થાન : 510 46’ ઉ. અ. અને 10 15’ પ. રે.. તે થેમ્સ નદીના ઉપરવાસમાં ચૅરવેલ નદી સાથે થતા સંગમસ્થાન પર ઉત્તર કાંઠે વસેલું છે. ઑક્સફર્ડમાં થેમ્સ નદી આઇસિસ નામથી ઓળખાય છે. લંડનથી વાયવ્યમાં તે આશરે 80 કિમી. જેટલા અંતરે આવેલું છે. યુરોપની જૂનામાં જૂની ગણાતી શિક્ષણસંસ્થાઓ પૈકીની એક ઑક્સફર્ડ યુનિવર્સિટીનું તે મથક છે અને તે રીતે તે દુનિયાભરમાં પ્રતિષ્ઠા પામેલું છે.
આ શહેરમાં વસવાટ કરતા મોટાભાગના લોકો અહીંની શિક્ષણસંસ્થાઓ પર નભે છે. આ શહેર શરૂઆતમાં, ઘણુંખરું દસમીથી બારમી સદી દરમિયાન આ વિસ્તારના બજારનું મથક હતું, 13મી-16મી સદી દરમિયાન તેનું વેપારી મહત્વ ઘટતું ગયું અને શૈક્ષણિક કેન્દ્ર તરીકે તે વિકસતું ગયું. આ કારણે વેપારીઓ અને શિક્ષણશાસ્ત્રીઓ વચ્ચે આંતરિક સંઘર્ષ(ગૃહયુદ્ધ)નાં બીજ રોપાયાં; જે છેવટે 1355માં સેન્ટ સ્કૉલેસ્ટિયાના દિવસે હત્યાકાંડમાં પરિણમ્યાં. આ ઇંગ્લિશ ગૃહયુદ્ધમાંથી ઑક્સફર્ડનું વ્યૂહાત્મક મહત્વ વધી ગયું. 18મી સદીમાં નદી-નહેરોનું ગીચ જાળું નિર્માણ પામ્યું. નહેરોને લીધે ઇંગ્લૅન્ડનાં તેની આજુબાજુનાં સ્થળો સાથે અવરજવર અને માલસામાનની હેરફેર વધ્યાં. 1835માં લંડનથી બ્રિસ્ટૉલ સુધીનો ગ્રેટ વેસ્ટર્ન રેલમાર્ગ નંખાયો. 20મી સદીના પ્રારંભે અહીં પ્રકાશન અને મુદ્રણકાર્ય શરૂ થયું. તે પછીના અરસામાં મોરિસ કંપનીએ મોટરવાહનો બનાવવાનો ઉદ્યોગ શરૂ કર્યો. આજે આ ઉદ્યોગ સાથે મોટરવાહનોનાં સ્ટીલનાં માળખાં બનાવવાના તેમજ ઇજનેરી અને વીજાણુ-ઉદ્યોગો પણ વિકસ્યા છે. વિકસતા જતા ઔદ્યોગિક એકમોને કારણે આ શહેરની સીમા પણ વિસ્તરી છે. 1920માં ઓટોમોબાઈલ ઉદ્યોગને લગતા એકમો સ્થપાયા છે.
અહીંની શિક્ષણસંસ્થાઓની ઇમારતોની ટોચના ભાગો શંકુઆકારના મિનારાઓથી બનેલા હોવાથી આ શહેર ‘શંકુઆકારના મિનારાઓનું શહેર’ નામથી પણ ઓળખાય છે. કૉલેજોની ઇમારતો મોટેભાગે 15મી, 16મી અને 17મી સદીમાં બંધાયેલી છે; જોકે અહીંની જૂનામાં જૂની કૉલેજોમાં યુનિવર્સિટી કૉલેજ (1249), બેલિયોલ (1263) અને મેરટોન(1264)નો સમાવેશ થાય છે. ઑક્સફર્ડ સંસ્થા ખાતે ઍશ્મોલિયન સંગ્રહાલય, બોડલિયન પુસ્તકાલય તથા વનસ્પતિ-ઉદ્યાનો આવેલાં છે. શહેરની જાણીતી અન્ય ઇમારતોમાં રેડક્લિફ કૅમેરા કંપનીના ભારત તેમજ જુદી જુદી યુનિવર્સિટીઓ તરફથી ગોઠવાતા કાર્યક્રમો માટે ઉપયોગમાં લેવાતા શેલ્ડોનિયન થિયેટરનો સમાવેશ થાય છે.
જૂના વખતમાં ડૅનિશ આક્રમણો ખાળવા શહેરની ઉત્તર સીમા ખાતે થાણું બાંધેલું, તે થેમ્સબર્ગ નામથી જાણીતું થયેલું. આ સ્થળનો સર્વપ્રથમ ઉલ્લેખ ઍંગ્લો-સેક્સન તવારીખ(912)માં જોવા મળે છે. સેક્સન સમયની જૂની વસાહતો પૈકીના અવશેષો આજે માત્ર સેક્સન રોમનેસ્ક ટાવર ઑવ્ સેન્ટ મિશેલ ચર્ચમાં જોવા મળે છે.
રૉબર્ટ દ’ ઑઇલી અહીંનો સર્વપ્રથમ ગવર્નર નિમાયેલો. તેણે ઑક્સફર્ડના કિલ્લાનું નિર્માણ કરાવેલું. આજે તે પૈકી ટેકરો તથા કિલ્લામાંનો સેન્ટ જ્યૉર્જના ચર્ચનો ટાવર રહ્યાં છે; જોકે આ સ્થળ આજે તો સ્થાનિક જેલ તરીકે ઉપયોગમાં લેવાય છે. રૉબર્ટે અહીં નદી પર મૅગ્ડેલન, ફૉલી અને હાયથ નામના પુલ પણ બંધાવેલા. નૉર્મનોએ અહીંની વસાહતની ચારેય બાજુ પથ્થરની દીવાલ બનાવરાવેલી, ત્યારે કોટની અંદરનો વિસ્તાર 38 હેક્ટર જેટલો હતો. આ પૈકી માત્ર થોડાઘણા વિભાગો જ બચ્યા છે.
2017 મુજબ ઑક્સફર્ડ શહેરની વસ્તી આશરે 1,52,450 જેટલી છે. જ્યારે જિલ્લાની વસ્તી 1,62,300 (2017).
ગિરીશભાઈ પંડ્યા
નીતિન કોઠારી