ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કમિશન (ONGC) : હાઇડ્રૉકાર્બન પદાર્થોના અન્વેષણ (exploration) અને વિનિયોજન (exploitation) માટે ભારત સરકારે 1956માં સ્થાપેલ નિગમ. ઔદ્યોગિક વિકાસ દ્વારા ભારતના જનસમૂહના જીવનધોરણનો ઉત્કર્ષ સાધવા માટે ગણનાપાત્ર જથ્થામાં ઊર્જાની આવશ્યકતા અવગણી શકાય નહિ. કુદરતી વાયુ તેમજ ખનિજતેલ ઊર્જાના મુખ્ય સ્રોતો છે. તેની ઉપલબ્ધિ માટે 1956માં ભારત સરકારે ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કમિશનની સ્થાપના કરી હતી. તેનું કાર્ય સંશોધન દ્વારા ભૂતળ તેમજ દરિયાના પેટાળમાં અનામત ખનિજતેલ અને કુદરતી વાયુના ભંડારોની શોધ કરી – અન્વેષણ અને વિનિયોજન દ્વારા તેની ઉપલબ્ધિ કરવાનું રહ્યું છે. આ સંસ્થાનું વડું મથક દહેરાદૂન, ઉત્તરાંચલમાં અને કાર્યકેન્દ્રો ઉત્તર, પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ તેમજ મુંબઈ પ્રદેશમાં આવેલાં છે. પશ્ચિમમાં તેનાં કાર્યક્ષેત્રો અમદાવાદ, મહેસાણા, ખંભાત, અંકલેશ્વર, રાજપીપળા વગેરે સ્થળોએ છે.
1998-99માં ભારતમાં ખનિજતેલની અનામતનો જથ્થો ભૂતળમાં 30.8 કરોડ ટન અને દરિયાના પેટાળમાં 35.2 કરોડ ટન ગણીને કુલ 66 કરોડ ટન અંદાજવામાં આવ્યો હતો. 1990-91માં ખનિજતેલનું ઉત્પાદન ભૂતળનાં ક્ષેત્રોમાં 1.18 કરોડ ટન અને દરિયામાં 2.12 કરોડ થઈને કુલ 3.20 કરોડ ટન અંદાજવામાં આવ્યું હતું, જ્યારે 2000-2001માં ખનિજતેલનું કુલ ઉત્પાદન 3.24 કરોડ થવાનો અંદાજવામાં આવ્યુ હતુ. ઉત્પાદનની સ્થગિતતાનાં કારણોમાં મુંબઈ હાઈની ક્ષમતામાં ઘટાડો, ઉત્તરપૂર્વમાં રાજકીય અશાંતિને કારણે વિઘ્નો અને નવીન સ્રોતોનો અભાવ ગણાય છે.
ભારતની ઊર્જાની જરૂરિયાત પૂરી પાડવા 199091માં 2.07 કરોડ ટન ખનિજતેલની આયાત કરવામાં આવી હતી. 1998-99માં ખનિજતેલની આયાત વધીને 3.98 કરોડ ટન થઈ હતી, જ્યારે 2000-2001માં ખનિજતેલ અને પેટ્રોલિયમ તથા પેટ્રોલિયમ-વસ્તુઓની 7.83 કરોડ ટનની આયાતની કિંમત રૂ. 7,160 કરોડ હતી.
ઊર્જાનું બીજું મહત્વનું સાધન કુદરતી વાયુ છે. તેનું ઉત્પાદન 1980-81માં 2.4 કરોડ ટન ઘનમીટરથી વધીને 1998-99માં 25.7 કરોડ ઘનમીટર સુધી પહોંચ્યું હતું. ખનિજતેલ તથા કુદરતી વાયુની સતત વધતી જતી માગને પૂરી પાડવા સરકારે નવીન અન્વેષણ-પરવાના પદ્ધતિ(New Exploration Licencing Policy)નો 2001માં આરંભ કર્યો છે. તે મુજબ 8 ભૂતળના, 24 છીછરા પાણીના અને 15 ઊંડા પાણીના મળીને કુલ 47 પસંદગીનાં ક્ષેત્રોમાં નિશ્ચિત સમયમાં અન્વેષણકાર્ય પૂરું કરી ઉત્પાદનમાં ભાગીદારીની સમજૂતીથી પરવાના ધરાવનાર ખાનગી સંસ્થાઓને સોંપવામાં આવ્યું છે. તેનો કુલ ખર્ચ આશરે રૂ. 2,560 કરોડ (53.5 કરોડ ડૉલર) અંદાજવામાં આવ્યો છે. છેલ્લી માહિતી અનુસાર કેટલાંક સ્થળોએ ખનિજતેલ તેમજ કુદરતી વાયુનો જથ્થો મળી આવ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝ લિમિટેડ (RIC) અને હાર્ડી એક્સ્પ્લોરેશન ઍન્ડ પ્રૉડક્શન (ઇન્ડિયા) ઇનકૉર્પોરેટેડે (HEPI-એ) કૃષ્ણા-ગોદાવરી ક્ષેત્રમાં ઊંડા દરિયામાં ત્રણ વિશાળ કુદરતી વાયુના જથ્થાની શોધ કરી છે. તેવી જ રીતે કેઇર્ન એનર્જી, યુ.કે.એ રાજસ્થાનમાં કુદરતી તેલ તેમજ વાયુના ભંડારોની શોધ કરી છે. આરંભના અંદાજો મુજબ બે વિસ્તારોનો કુદરતી તેલનો જથ્થો 22 કરોડ મેટ્રિક ટન અંદાજવામાં આવ્યો છે. તે જ પ્રમાણે ખનિજતેલના ઉત્પાદનમાં વૃદ્ધિ મેળવવા પ્રગતિશીલ તેલ પુન:પ્રાપ્તિ (improved oil recovery) અને વધુ તેલ પુન:પ્રાપ્તિ(enhanced oil recovery)ની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આવી 19 યોજનાઓમાંથી મુંબઈ હાઈ ઉત્તર(Mumbai High North)ની 11 યોજનાઓ કાર્યશીલ છે. બીજાં 9 નાનાં ક્ષેત્રોમાં વિદેશી તેમજ સ્વદેશી ખાતાની પેઢીઓ સાથે ગતિશીલ અન્વેષણ માટે કરાર કરવામાં આવ્યા છે.
વધુ કુદરતી વાયુ ઉપલબ્ધ કરવા માટે દેશનાં વિવિધ સ્થળોએ આવેલ કાર્બન-થરનાં વાયુક્ષેત્રોમાં (રાણીગંજ, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, ઝારખંડ વગેરેમાં) ખાનગી પેઢીઓને સંશોધનકાર્ય સોંપી ઉત્પાદનમાં ભાગીદારીનું આયોજન કરવામાં આવ્યું છે. તેવી જ રીતે બે કાર્બન-થરોમાં કોલ ઇન્ડિયા અને ઓએનજીસી ભાગીદાર છે. વળી ઓએનજીસી વિદેશ લિમિટેડે મેસર્સ ટોસેનેફર સાથે ફેબ્રુઆરી, 2001માં રશિયાના સમાલીન ક્ષેત્રમાં 20 ટકાની ભાગીદારીથી અન્વેષણની યોજના શરૂ કરી છે. તેવી જ રીતે વિયેટનામમાં કુદરતી વાયુમાં 45 ટકા હિસ્સો મળે તેવી સમજૂતી સાથે અન્વેષણકાર્યનો આરંભ કર્યો છે.
પેટ્રોલની વપરાશથી ઉત્પન્ન થતા પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા સ્વયંસંચાલિત વાહનો માટે દ્રવિત કુદરતી વાયુ(liquified natural gas)ના ઉપયોગને મહત્વ આપવામાં આવે છે; પરંતુ તે દેશમાં ઉપલબ્ધ નથી. તેને માટે પેટ્રોનેટ એલએનજી લિમિટેડે 50 લાખ ટન દ્રવિત કુદરતી વાયુ (LNG) દહેજ, ગુજરાતમાં આયાત કરવાની પરિયોજના તૈયાર કરી છે. તેવી જ બીજી 25 લાખ ટન એલએનજીની આયાતની સવલત કોચી, કેરળમાં કરવામાં આવશે. દ્રવિત કુદરતી વાયુમાં પરિવહન માટે ડેવુ શિપયાર્ડ, કોરિયાને બે જહાજો બાંધવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે. ડિસેમ્બર 2003 સુધીમાં દ્રવિત કુદરતી વાયુ હજીરા, બીજાપુર, જગદીશપુર પાઇપલાઇન દ્વારા ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી તેમજ ઉત્તર પ્રદેશને પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું હતુ.
1 એપ્રિલ, 2002ના રોજ નિયંત્રિત ભાવપ્રથાને નાબૂદ કરી ખનિજતેલ તેમજ કુદરતી વાયુની કિંમત બજાર-આધારિત કરવામાં આવી હતી. વળી તેલભંડોળ-ખાતું અને તેલ-સંકલન સમિતિઓને પણ વિખેરવામાં આવી હતી.
ઓએનજીસી ઉપરાંત મૉડલ ઇન્ડિયા લિમિટેડ અને ગૅસ ઑથૉરિટી ઑવ્ ઇન્ડિયા કેટલીક ખાનગી પેઢીઓ સાથે સહયોગથી ખનિજતેલ તેમજ કુદરતી વાયુની ઉપલબ્ધિ માટે અન્વેષણકાર્યમાં કાર્યરત છે. 2000-2001ના વર્ષમાં ભૂતળમાંથી ઓએનજીસીનું 86.4 લાખ ટન, ઑઇલ ઇન્ડિયાનું 31.8 લાખ ટન તથા બીજી સંસ્થાઓના 70 હજાર ટન અને દરિયાના પેટાળમાંથી ઓનએનજીસીનું 1.61 કરોડ ટન અને બીજી સંસ્થાઓના 40.7 લાખ ટન ખનીજતેલના અન્વેષણ સાથે કુલ ઉત્પાદન 3.24 કરોડ ટન અંદાજવામાં આવ્યું હતું. તે જ વર્ષમાં કુદરતી વાયુનું ઉત્પાદન 29.71 કરોડ ટન ઘનમીટર થયું હોવાનો અંદાજ છે.
જિગીશ દેરાસરી