એસ્તુરનેલ દ કૉન્સ્ટન્ટ-પૉલ-હેન્રી (જ. 22 નવેમ્બર 1852, લા ફલેચે, ફ્રાન્સ; અ. 15 મે 1924, પૅરિસ) : 1909ના શાંતિ માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. રાજદ્વારી કાર્યોની ખાસ તાલીમ પામેલા આ મુત્સદ્દીએ 1890-95ના ગાળામાં ફ્રાન્સની લંડન ખાતેની રાજદૂતની કચેરીમાં કાઉન્સિલર તરીકે સેવાઓ આપી હતી; પરંતુ તે દરમિયાન તેમના કાર્યાનુભવ પરથી તેમને ખાતરી થઈ હતી કે વ્યાવસાયિક રાજદ્વારી રીતરસમો દ્વારા યુરોપના દેશો વચ્ચે શાંતિપૂર્ણ સહકાર પ્રસ્થાપિત કરી શકાય તેમ નથી. તેથી 1895માં તેમણે રાજદ્વારી સેવામાંથી રાજીનામું આપ્યું હતું અને પોતાના આદર્શો સિદ્ધ કરવાના હેતુથી ફ્રાન્સના રાજકારણમાં સક્રિય થયા હતા.
પ્રારંભમાં તેઓે ચેમ્બર ઑવ્ ડેપ્યુટિઝ, એટલે કે સંસદના નીચલા ગૃહના સભ્ય ચૂંટાયા અને તે પછી સેનેટના એટલે કે ઉપલા ગૃહના સભ્ય બન્યા હતા. હેગ ખાતે યોજાયેલી બંને આંતરરાષ્ટ્રીય પરિષદોમાં ફ્રાન્સના પ્રતિનિધિ તરીકે તેમણે હાજરી આપી હતી. આંતરિક અને આંતરરાષ્ટ્રીય પ્રકારના વિવાદોના ઉકેલ માટે લવાદની પદ્ધતિના તેઓ પુરસ્કર્તા હતા અને હેગ ખાતેની પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદમાં તેની તરફેણમાં સમજૂતી સધાવવામાં તેમણે સફળ ભૂમિકા ભજવી હતી. ફ્રાન્સના આંતરિક રાજકારણમાં સમાજવાદીઓના વધતા વર્ચસ્ પ્રત્યે તેઓ કૂણી લાગણી ધરાવતા હતા. ધારાશાસ્ત્રી ન હોવા છતાં નોબેલ શાંતિપુરસ્કારવિજેતા ન્યાયવિદોના આંતરરાષ્ટ્રીય જૂથ સાથે તેઓ લાંબા સમય સુધી સંકળાયેલા હતા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે