એસ્ટોનિયન ભાષા અને સાહિત્ય : યુરાલિક ભાષાપરિવારની ફિનો-ઉગરિક શાખાની, જૂના યુ.એસ.એસ.આર.ના ઇસ્ટોનિયા અને આજુબાજુના કેટલાક વિસ્તારોમાં બોલાતી ભાષા. ઉત્તર અને દક્ષિણ એમ બે વિસ્તારોમાં બોલાતી બોલીઓમાં એસ્ટોનિયન સાહિત્ય રચાતું આવ્યું છે. આમાંય સવિશેષ ઉત્તરની ‘તેલિન’ બોલી એસ્ટોનિયન સાહિત્ય માટે પસંદ થઈ છે. કુલ્લામા પ્રાર્થનાઓ (1520) આ બોલીમાં પ્રગટેલું સાહિત્ય છે. બાલ્ટિક-ફિનિક શાખાનું નિકટપણું ફિનિશ, વોટિક, લિવોનિયન, ઇન્ગ્રિયન, કારેલિયન અને વૅપ્સ ભાષાઓ સાથે છે. સામી અને હંગેરિયન ભાષાઓ સાથે તે જોડાયેલી છે. આ ભાષાનું બંધારણ જ એવું છે કે એકનો એક સ્વર ‘o’ ત્રણ રીતે બોલાય છે. દા. ત., ‘Koli’ એટલે કચરાના અર્થમાં કોમળ ‘ઓ’ છે; ‘KoOli’ એટલે ‘of school’ના અર્થમાં ‘O’ દીર્ઘ છે; જ્યારે તે જ જોડણીમાં કૂ…..લી એટલે ‘to school’ના અર્થમાં ખૂબ દીર્ઘ ઉચ્ચારથી બોલાય છે. પ્રત્યયો(suffixes)થી વ્યાકરણનાં નામ, વિશેષણ, ક્રિયાપદ, ક્રિયાપદવિશેષણનાં વિવિધ સ્વરૂપો બને છે. એસ્ટોનિયન ભાષા પર જર્મન ભાષાનો પણ પ્રભાવ છે.
એસ્ટોનિયન ભાષામાં પ્રથમ પુસ્તક વાન્ડ્રા કોએલનું ધાર્મિક ‘કેટેચિઝમ’ 1535માં છપાઈ પ્રગટ થયું. આ સમયથી તે ઓગણીસમી સદીના પ્રારંભ સુધી એસ્ટોનિયામાં જર્મન લોકોનું પ્રભુત્વ હતું અને એસ્ટોનિયન ભાષા પર જર્મન ભાષાનો પ્રભાવ પડ્યો હતો. 1686માં બાઇબલના ‘નવા કરાર’નું એસ્ટોનિયન ભાષામાં ભાષાંતર થયું અને 1739માં એસ્ટોન થોર હેલ્લે એસ્ટોનિયન ભાષામાં બાઇબલનું સંપૂર્ણ ભાષાંતર કર્યું. એસ્ટોનિયન લોકો સોળમી સદીના પૂર્વાર્ધમાં વાંચતાં-લખતાં શીખ્યા હતા.
એસ્ટોનિયન સાહિત્યમાં ચૌદમીથી સત્તરમી સદી સુધીમાં મોટો ફાળો ઊર્મિપ્રધાન લોકગીતોનો છે. અનેક ગીતોની હસ્તપ્રતો તાતું શહેરના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં છે અને તેમાંનાં ગીતો ‘વના કન્નેલ’ (ત્રણ ગ્રંથ, 1875-1938) અને ‘સેતુકેસ્તે લૌલુદ’ (ત્રણ ગ્રંથ, 1904-1907)માં પ્રગટ થયેલાં છે. કે. જે. પેટર્સને (1801-1822) કેટલાંક ગીતોનો સંગ્રહ પ્રગટ કર્યો હતો. એસ્ટોનિયાને જર્મન સામંતશાહી સામે સંઘર્ષ કરવા પ્રેરે એવાં લોકગીતો ઉપરથી એસ્ટોનિયન ડૉક્ટર ફ્રીડ્રિશ રૉબર્ટ ફ્રીલ્હમાને સંકલન કરીને રાષ્ટ્રના મહાકાવ્ય ‘કાલેવિપોએગ’ની રચના કરવાની શરૂઆત કરી. અધૂરી રહેલી એ વિરાટ કૃતિને ફ્રીડ્રિશ રૈન્હોલ્ડ ક્રુઝવાલ્ડે (1803-1882) પૂરી કરવા હામ ભીડી અને 1857થી 1862 સુધીમાં ક્રમે ક્રમે તેનું પ્રકાશન કર્યું. આ કાવ્યમાં તેરમી સદીથી જર્મન ક્રુઝેડરો સાથે યુદ્ધે ચડેલા એસ્ટોનિયન લોકોનાં પરાક્રમોથી શરૂઆત થઈ છે. આ કાવ્યે એસ્ટોનિયન રાષ્ટ્રીય આંદોલનને ખૂબ પ્રભાવિત કર્યું હતું.
જૉન વૉલ્ડેમેર જાન્સને અખબારી લેખનનો પાયો નાખ્યો, પરંતુ જર્મનો પ્રત્યેના તેના વલણને કાર્લ રૉબર્ટ જૅકબસને પડકાર્યું. જૅન્સનની પુત્રી લીડિયા કોઈદુલ્લા(1843-1886)એ એસ્ટોનિયન કવિતામાં વતનપ્રેમ અને દેશદાઝ વ્યક્ત કર્યાં. તેણે એસ્ટોનિયન નાટકનો પાયો નાંખ્યો. એ સમયની જર્મન સામંતશાહીથી પીડાતી પ્રજાનાં શોક અને દુ:ખનો સાચો કવિ જુહાન લીવ (1864-1913) હતો. તે સમર્થ વાર્તાકાર પણ હતો. આમ એસ્ટોનિયન સાહિત્યની સાચી શરૂઆત ઓગણીસમી સદીના મધ્યકાળથી થઈ.
એદુઅર્દ વિલ્ડે(1865-1933)એ લેખક તરીકેની કારકિર્દી અપનાવી. તેણે વાર્તાપ્રવાહમાં વિનોદ અને વાસ્તવિકતા આણ્યાં. તેની નવલકથા ‘કુલ્માલે માલ્લૈ’ 1896માં પ્રગટ થઈ. તેની બીજી નવલકથા ‘આયર્ન હૅન્ડ્ઝ’માં ઉદ્યોગના કામદારોની વાત છે. ‘ધ મહત્ર વૉર’ અને ‘હાઉ અનિજા મેન કેમ ટુ તાલ્લીન’માં એસ્ટોનિયન ખેડૂતોનો સામંતશાહી સામે બળવો આલેખાયો છે. ‘ધ મિલ્કમૅન ઑવ્ મૈકુલા’માં જર્મન અમલદાર-જમીનદાર એક ખેડૂતની પત્નીને પોતાની રખાત તરીકે રહેવા ફરજ પાડે છે. વિલ્ડેએ અનેક ઐતિહાસિક નવલકથાઓ પણ લખી હતી. તેના સમકાલીન અર્નેસ્ટ પીટરસન સારગાવે (1868-1958) પ્રાકૃતવાદ અપનાવી શૌર્યપૂર્ણ કલમે સામાજિક દૂષણો પર પ્રહાર કર્યા. તેણે ઓગણીસમી સદીના અંતનું અને વીસમી સદીના પ્રારંભનું ગ્રામજીવન આલેખ્યું. આ સમયના કવિઓમાં મુખ્ય ઈ. એન્નો (1875-1934) અને પ્રકૃતિના ઊર્મિકવિ વી. રિડાલા (1885-1942) છે. જોહ આવિક (1880-1973) દ્વારા એસ્ટોનિયન ભાષાનું સંમાર્જન થયું.
એન્ટોન હાન્સેન તમસ્સારે(1878-1940)ની ભવ્ય કારકિર્દી ગ્રામજીવનના આલેખનથી થઈ. પાંચ ખંડની તેમની મહાન નવલકથા ‘ટ્રુથ ઍન્ડ રાઇટ’ (1926-1933) એસ્ટોનિયાનું 1880થી 1930 સુધીનું સમાજજીવન પ્રતિબિંબિત કરે છે. નોબેલ પારિતોષિકના ઉમેદવારોમાં તેમનું નામ સૂચવાયું હતું.
1905ની ક્રાંતિએ ગુસ્તાવ સ્યુટ્સ(1883-1956)ને ‘લાઇફ-ફાયર’નાં કાવ્યો લખવાની પ્રેરણા આપી. એ વર્ષે ‘નૂર ઐસ્તી’(યુવા એસ્ટોનિયા)ના સાહિત્યિક આંદોલનની શરૂઆત આ કવિ દ્વારા જ થઈ હતી. ઑગસ્ટ કિઝબર્ગે (1855-1927) તેના નાટક ‘ધ હરિકેન’માં ક્રાંતિની સમસ્યા ચર્ચી. આ ક્રાંતિને કચડી નાખવામાં આવી અને બુદ્ધિજીવી વર્ગ ભયથી ત્રાસી દેશ છોડી ગયો. આ વર્ગમાં ફ્રીડબર્ટ તુગ્લાસ (1886-1971) સમર્થ વાર્તાકાર હતા. દર વર્ષે શ્રેષ્ઠ વાર્તાકારને તેમના નામે પારિતોષિક અપાય છે.
મહાન નવલકથાકાર તમસ્સારેથી બીજે ક્રમે મૈટ મેત્સાનુર્ક (1879-1957) આવે છે. પ્રથમ વિશ્વયુદ્ધ (1914-1918) દરમિયાન ‘સિઉરુ’ સાહિત્યમંડળ સ્થપાયું. (સિઉરુ એસ્ટોનિયન દેવતા તારાની પુત્રીનું નામ તથા ફિન્નો-યુગ્રિયન દંતકથાનું એક પંખી છે.) આ મંડળમાં અગ્રગણ્ય કવયિત્રી મૅરી અન્ડર (1883-1980) અને હેન્રિક વિસ્નપૂ (1890-1951), ઑગસ્ટ અલ્લે (1890-1952), જોહાન્નેસ બાર્બારુસ (1890-1956), જોહાન્નેસ સેમ્પર (1892-1970), જાન કાર્નર (1891-1958) અને જુહાન સુટિસ્ટે (1899-1945) વગેરે કવિઓની કાવ્યકૃતિઓથી એસ્ટોનિયન કવિતા સમૃદ્ધ બની છે. મૅરી અન્ડરનું નામ નોબેલ પારિતોષિક માટે અનેક વાર સૂચવાયું હતું. વીસમી સદીના ત્રીજા દાયકાના અંતે સાહિત્યક્ષેત્રે યથાર્થવાદથી નવો ચીલો પાડનાર ગદ્યલેખકો ઑગસ્ટ જેકબસન (1904-1963), રૂડોલ્ફ સિર્ન્ને (1904-1970) અને નવલકથાકાર એ-ગૈલિત (1891-1960) હતા. 1958માં ‘ધ સુથસેયર્સ’ કવિઓએ કવિતાને નવી ચેતના આપીને વિકસાવી. આ નવા વર્તુળના કવિઓમાં બેટી અલ્વર (જ. 1900), હૈટી તલ્વિક (1904-1942), બર્નાર્ડ કાંગ્રો (જ. 1910), કેર્સ્ટી મેરિલાસ (જ. 1913) અને ઑગસ્ટ સંગ (1914-1969) મુખ્ય હતા. બેટી અલ્વરના કાવ્યસંગ્રહ ‘ડસ્ટ ઍન્ડ ફાયર’(1936)માં પ્રતીકવાદી કલ્પનનો કુશળતાથી ઉપયોગ થયો છે અને હૈટી તલ્વિકના ‘ડૂમ્સ ડે’(1937)માં ભાવિ માનવસંહારની આગાહી છે. ઉકુ મસિંગની કવિતા ધાર્મિક રહસ્યવાદી છે.
1940માં એસ્ટોનિયા સોવિયેત સંઘમાં જોડાયું અને સમાજવાદી સોવિયેત રાજ્ય બન્યું. તે પછી બીજે જ વર્ષે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું અને 1944 સુધી એસ્ટોનિયા ફાસીવાદી શાસન તળે રહ્યું. 1944માં તે મુક્ત થયું અને મુક્તિની સાથે ખુવારીમાંથી નવસર્જનનો પ્રશ્ન ઊભો થયો. બીજા વિશ્વયુદ્ધ પછી અર્ધા ઉપરાંતના સાહિત્યકારો દેશનિકાલની અવસ્થામાં રહ્યા. તેમની કવિતા અને તેમના સાહિત્યમાં નિરાશાવાદ તેમજ વતનનો સાદ વરતાય છે. કવિ કાન્ગ્રોની કવિતામાં નિરાશાનો સૂર છે તો વિસ્ન્તપૂસની કવિતામાં વતનનાં સ્મરણોની યાદ છે. આવા કવિઓમાં કાલ્જુ લેપિકની કાવ્યકૃતિ ‘યલો હીથ્સ’ (1965) અને ઈવાર ગ્રુન્થાલનું મહાકાવ્ય ‘ધ બેલ્સ ઑવ્ સેંટ પીટર્સ’ ઉલ્લેખનીય છે. સ્ટાલિનના સત્તાકાળ દરમિયાન કાવ્યપ્રવૃત્તિ ખૂબ ધીમી પડી જાય છે; પરંતુ 1960 પછી પશ્ચિમના દેશોની અસર તળે નવા કવિઓમાં જાન ક્રૉસ, ઍલન નીત, ઍઇન કાલેપ મેટ્સ ટ્રાટનાં નામ નોંધપાત્ર છે. દેશ છોડી ગયેલા નવલકથાકારોની કૃતિઓમાં યુદ્ધના અનુભવો અને નવા વાતાવરણની સમસ્યાઓ નિરૂપાઈ છે. સ્વેચ્છાએ કે પરાણે દેશવટો ભોગવતા નવલકથાકારોએ યુદ્ધની યાતનાઓ અને નવા સંજોગોની વાતો લખી છે. ગેઇલિટુ, મ્હાલ્ક, કિવિકાસ, રિસ્તિકિવી, પેદ્રો કૃષ્ટેન, કાર્લ રુમોર, જૂહાન જેક, ઇવાકડ માદ, વાલેવ યુઇબોપ્પ નોંધપાત્ર નવલકથાકારો છે. રાષ્ટ્રની મુક્તિ બાદ ગદ્યલેખકોમાં હાન્સ લેબરેખ્ટ (1910-1960) અને રાજકીય ડંખીલી વાર્તાઓ લખનાર ઑગસ્ટ જેકબસન આગળ આવ્યા. નવા લેખકોમાં લેનિન પારિતોષિક વિજેતા જુહાન સ્મૂલ (1922-1971) અને આદુ હિન્ટે (જ. 1910) નામના મેળવી. સિર્ગેએ ‘ધ લૅન્ડ ઍન્ડ ધ પીપલ’ નામની મહાન નવલકથા સર્જી. એ. સંગ્રે ‘એ સૅન્ડવિચ વિથ એ કિસ’ નામના કાવ્યસંગ્રહમાં સરળ રીતે ગહન સામાજિક સમસ્યાઓ ચર્ચી. આર્વી સીગ (જ. 1938), રૂડૉલ્ફ રિમ્મેલ (જ. 1937) અને બ્લાડિમિર બીકમને (જ. 1929) દીર્ઘ કવિતાને નવજીવન આપ્યું. પૉલ રૂસબર્ગ (જ. 1926) અને બે લેખિકાઓ લીલી પ્રોમેટ (જ. 1922) અને ઐમી બીકમન (જ. 1933) નવાં નવલકથાકારો અને વાર્તાકારો તરીકે ઝળકી ઊઠ્યાં. જાન ક્રૉસે (જ. 1920) ઐતિહાસિક નવલકથાઓ દ્વારા ખ્યાતિ મેળવી. તેની ‘બિટવીન થ્રી પ્લેગ્સ’ નવલકથાએ વાચકોમાં ખૂબ રસ પેદા કર્યો. માટ્સ ત્રાટે (જ. 1936) ‘ડાન્સ રાઉન્ડ ધ બૉઇલર’ લખી નવો ચીલો પાડ્યો. નવા કવિઓમાં કટાક્ષકાર કવિ જુરી ઓડી, જોશીલો કવિ જૉન ઇસોટમ્મ અને ઊર્મિકવિ તૂમસ લીવ જાણીતા છે. નાટ્યક્ષેત્રે હ્યુગો રોડ્સેપે (1883-1948) વાસ્તવવાદી અને પ્રતીકવાદી સામાજિક કટાક્ષભર્યાં નાટકો લખીને ખ્યાતિ મેળવી છે. આર્વો માગી વિવેચક, નિબંધકાર અને નાટ્યકાર તરીકે જાણીતા છે. નાટ્યકારોમાં ઑગસ્ટ કિટ્સબર્ગ અને હ્યુગો રોડ્સેપ ઉલ્લેખનીય છે. એ. નૉરાસનું ‘એસ્ટોનિયન લિટરેચર ઇન એક્ઝાઇલ’ (1967) અને આર્વો માગીનું ‘એસ્ટોનિયન લિટરેચર’ (1968) ગ્રંથો નોંધપાત્ર છે.
આમ છેલ્લી દોઢ સદીમાં એસ્ટોનિયન સાહિત્યે નોંધપાત્ર પ્રગતિ કરી છે.
કૃષ્ણવદન જેટલી