એસેક્સ : ઇંગ્લૅન્ડનું પરગણું. ભૌગોલિક સ્થાન : 510 48’ ઉ. અ. અને 00 40’ પૂ. રે.. તે ઇંગ્લૅન્ડની પૂર્વે અને લંડનથી સહેજ ઉત્તરે દરિયાકાંઠા પર આવેલું છે. તેની દક્ષિણે ટેમ્સ નદી તથા પૂર્વ તરફ ઉત્તર સમુદ્ર છે. દસમી સદીમાં ડેન્માર્કના વર્ચસ્માંથી મુક્ત કરી ઇંગ્લૅન્ડે તે પરત મેળવ્યું હતું. તેનો કુલ વિસ્તાર 3,469 ચોકિમી. તથા વસ્તી આશરે 12,94,700 છે. ચેમ્સફર્ડ તેનું મુખ્ય મથક છે, જે આ પરગણાની મધ્યમાં આવેલું છે. 1964માં લંડન શહેરનું પુનર્ગઠન થયું ત્યારે આ પરગણાનો અગ્નિ ખૂણો લંડન મહાનગરમાં સમાવી લેવામાં આવ્યો હતો. 1974માં આ પરગણાનું પણ પુનર્ગઠન થયું, છતાં પરગણાના વિસ્તારમાં કોઈ ફેરફાર થયો ન હતો. વહીવટી સુગમતા માટે તે 14 જિલ્લાઓમાં વહેંચાયેલું છે.
લંડનની નજીક હોવા છતાં તેમજ શહેરીકરણને લીધે ખેતી હેઠળની જમીનો પર સતત દબાણ આવેલું. તેમ છતાં તેના ગ્રામીણ સ્વરૂપનું જતન કરવામાં આવ્યું છે. આજે પણ ત્યાં સમૃદ્ધ ખેતરો તથા ઢોરઉછેરના પૂર્ણ વિકસિત એકમો જોવા મળે છે. ઘઉં, જવ, કઠોળ, શાકભાજી તથા દૂધ જેવી વસ્તુઓનું ત્યાં મબલક ઉત્પાદન થાય છે. વિદ્યુતશક્તિથી ચાલતી રેલવેના વિસ્તરણને લીધે પરગણામાં તથા તેની આજુબાજુમાં નવાં નગરો વિકસ્યાં છે તેમજ સિમેન્ટ, તેલશુદ્ધીકરણ જેવા આધુનિક ઉદ્યોગો પણ ઊભા થયા છે. આમ છતાં ગ્રામવિસ્તાર તરીકેની તેની મૂળ ઝલક યથાવત્ રહી છે.
એક જમાનામાં આ પરગણાની મોટાભાગની જમીન કળણવાળી હતી પણ તેને નવસાધ્ય કરવામાં આવી છે. મોટાભાગની જમીન સપાટ છે. તેની નદીઓ વાયવ્ય ખૂણામાંથી આવે છે; તેમાંની ત્રણ ઉત્તર સમુદ્રને અને બે ટેમ્સ નદીને મળે છે.
ચેમ્સફર્ડ ઉપરાંત આ પરગણામાં હાર્વિચ, સાઉથ એન્ડ સી, ઈસ્ટહોમ, વેસ્ટહોમ, વૉલ્ધેમ, હોલી ક્રૉસ તથા કોલચેસ્ટર બીજાં નગરો છે. કોલચેસ્ટરમાં રોમન તથા સેક્સન સ્મારકો છે. ઉપરાંત સાઉથ એન્ડ અને કલેક્ટન બે દરિયાકાંઠા પરનાં આનંદપ્રમોદ માટેનાં સ્થળો છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે