એવેન્ચ્યુરાઇન (aventurine) : (1) સોનેરી આગંતુક કણો ધરાવતો એક પ્રકારનો કાચ. (2) ચમકવાળા આગંતુક કણો ધરાવતા કાચ જેવા દેખાવવાળા, પારદર્શક કે ક્વાર્ટ્ઝ અથવા ફેલ્સ્પાર માટે વિશિષ્ટપણે વપરાતો પર્યાય. (3) અબરખ, હેમેટાઇટ અથવા અન્ય ખનિજની પતરીઓનાં આભલાંથી સુશોભિત ક્વાર્ટ્ઝની એક જાત. (4) અમુક વિભંજન-સપાટીઓમાંથી રતાશ પડતું પરાવર્તન કરતો આલ્બાઇટ ફેલ્સ્પારનો એક પ્રકાર. આ પ્રકારનું પરાવર્તન ફેલ્સ્પારની અમુક ચોક્કસ સ્ફટિક-સપાટીઓને સમાંતર રહેલા હેમેટાઇટનાં પાતળાં પડને કારણે થતું હોવાનું મનાય છે. અમુક માત્રામાં આયર્ન ઑક્સાઇડ ધરાવતા ઘન-દ્રાવણમાં મૂળભૂત રીતે સમાંગ ફેલ્સ્પારનું મિશ્રણ ન થવાને કારણે તેની ઉત્પત્તિ થઈ હોવાનું ઘણુંખરું માનવામાં આવે છે. ફેલ્સ્પારને 1,200° સે.થી વધારે ગરમ કરવાથી હેમેટાઇટનાં પડ અર્દશ્ય થઈ જાય છે.

ગિરીશભાઈ પંડ્યા