એલ્ફિન્સ્ટન માઉન્ટસ્ટુઅર્ટ (જ. 6 ઑક્ટોબર 1779, ડનબાર્ટન-શાયર, સ્કૉટલૅન્ડ; અ. 20 નવેમ્બર 1859, હુકવુડ, ઇંગ્લૅંડ) : ભારતમાં બ્રિટિશ અધિકારી, કાબેલ વહીવટદાર અને શિક્ષણનો હિમાયતી. તે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં ‘રાઇટર’ તરીકે કોલકાતામાં 1795માં દાખલ થયો હતો. એ અંગ્રેજી ભાષાનો વિદ્વાન હતો અને લૅટિન તથા ગ્રીક ભાષા જાણતો હતો. એણે ફારસી અને સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો તથા મરાઠી અને ગુજરાતી ભાષાનું જ્ઞાન મેળવ્યું હતું. એણે કેટલાંક પુસ્તકો લખ્યાં હતાં, જેમાં ‘હિસ્ટરી ઑવ્ ઇન્ડિયા’ અને અફઘાનિસ્તાનના ઇતિહાસનો સમાવેશ થાય છે. એનામાં સેનાપતિ, સાક્ષર, મુત્સદ્દી અને વહીવટકર્તા તરીકેના ગુણો હતા. તેણે નવેમ્બર, 1817માં ખિડકીની લડાઈમાં પેશ્વાને હરાવ્યો હતો.
એણે ફેબ્રુઆરી, 1811થી જૂન, 1818 સુધી પુણેના પેશ્વાના દરબારમાં રેસિડન્ટ તરીકે કામ કર્યું હતું. આ સમય દરમિયાન પુણેમાં મહત્વના બનાવો બન્યા હતા. એ પછી 1819થી 1827 સુધી મુંબઈ પ્રાંતના ગવર્નર તરીકે એણે ફરજ બજાવી હતી. એણે મુંબઈ પ્રાંતમાં અંગ્રેજોની સત્તા અને વહીવટી પદ્ધતિના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો હતો. જિલ્લા કલેક્ટરોએ એમની સત્તાનો ઉપયોગ વિવેક અને માનવતાપૂર્વક કરવો જોઈએ એવી એની માન્યતા હતી. હિંદમાં જૂની શિક્ષણપદ્ધતિ જાળવી રાખીને એમાં નવા પશ્ચિમી વિચારો દાખલ કરવા જોઈએ એવો એનો અભિપ્રાય હતો. એણે કાયદાઓને વ્યવસ્થિત કરવાનું અને વર્તમાનપત્રો પરના અંકુશો ઘટાડવાનું કાર્ય કર્યું હતું. એના સત્તાકાળ દરમિયાન મુંબઈ શહેરનો વિકાસ થયો અને એના રાજકીય, આર્થિક તથા સાંસ્કૃતિક મહત્વમાં વધારો થયો. એ ઉદાર વિચારસરણી ધરાવતો હતો.
મરાઠા રાજ્યમાં તેણે જમીનદારોને તેમની જમીનો, વિશેષાધિકારો અને ન્યાયકીય સત્તાઓ પાછાં આપ્યાં. વિદ્વાનોને ઇનામો આપ્યાં તથા બ્રાહ્મણોને મંદિરની જમીનો પાછી આપી. ગામના મુખી તથા ન્યાયપંચની સત્તાઓ જાળવી રાખી.
1827માં એ મુંબઈના ગવર્નરપદેથી નિવૃત્ત થયો. એને અંગ્રેજ સરકાર તરફથી ગવર્નર જનરલનું પદ આપવાની દરખાસ્ત કરવામાં આવી; પરંતુ એણે એનો અસ્વીકાર કર્યો. દેશના લોકોને શિક્ષણ આપવાની તેણે શરૂઆત કરી. તેથી મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજ સાથે એનું નામ જોડવામાં આવ્યું છે. મુંબઈ રાજ્યના કેટલાક ઉત્તમ ગવર્નરોમાં એની ગણતરી થાય છે. 1818માં પેશ્વાને પદભ્રષ્ટ કરી એની સત્તા છીનવી લેવામાં એણે મહત્વની કામગીરી કરી હતી.
મુગટલાલ પોપટલાલ બાવીસી