એલ્નિકો (Alnico) : ચિરસ્થાયી ચુંબક બનાવવા માટેની મિશ્રધાતુઓ. આ મિશ્રધાતુઓમાં આયર્ન (લોહ), ઍલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ અને તાંબું હોય છે. કોઈ વાર ટાઇટેનિયમ અને નિયોબિયમ પણ ઉમેરાય છે. ઍલ્યુમિનિયમ, નિકલ અને કોબાલ્ટ ઉપરથી એલ્નિકો નામ પડ્યું છે. વધુ વપરાતી મિશ્રધાતુ એલ્નિકો-5માં 24 % Co, 14 % Ni, 8 % Al, 3 % Cu અને 51 % Fe હોય છે.
જરૂરી ઘટકોને યોગ્ય પ્રમાણમાં ભેગા કરી પિગાળીને ઇચ્છિત ઘાટમાં ઢાળવામાં આવે છે. તેને 1300° સે. સુધી ફરીથી ગરમ કરી નિયંત્રિત દરે યોગ્ય દિશા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં ધીમેથી ઠારવામાં આવે છે. આ પછી તેને 600° સે. ગરમ કરીને તેનું કાળપક્વન (ageing) કરવામાં આવે છે.
એલ્નિકો-5નું (BH)mનું મૂલ્ય 5.3 × 10-6 (gauss-oersted) હોય છે. તેની ઘનતા 7.3 હોય છે. હાલમાં પ્રબળ ચિરસ્થાયી ચુંબકો આ મિશ્રધાતુઓમાંથી જ બનાવવામાં આવે છે. આ મિશ્રધાતુઓમાં બે કલા (phase) હોય છે અને એક કલા સૂક્ષ્મ નિક્ષેપ રૂપે બીજી કલાની જાલિકા(matrix)માં આવેલી હોય છે, જેને કારણે ચિરસ્થાયિત્વ પ્રાપ્ત થતું હોય છે.
જયંતિલાલ જટાશંકર ત્રિવેદી