એલિસમેર ટાપુ : કૅનેડાના આર્ક્ટિક દ્વીપસમૂહના ઈશાન છેડે આવેલા ક્વીન ઇલિઝાબેથ દ્વીપ જૂથમાંનો મોટામાં મોટો દ્વીપ. ભૌગોલિક સ્થાન : 81° 00’ ઉ. અ. અને 80° 00’ પ. રે. તે ગ્રીનલૅન્ડના સાગરકાંઠાના વાયવ્ય દિશાના વિસ્તારની નજીક આવેલો છે. તેનો પ્રદેશ અત્યંત ખરબચડો, ડુંગરાળ તથા બરફાચ્છાદિત છે. તેમાંના કેટલાક પહાડો 2,616 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે તથા તેનો દરિયાકાંઠો પહાડોની હાર તોડીને અંદર ઘૂસી ગયેલી ખાડીઓનો બનેલો છે. તેની કુલ લંબાઈ 830 કિમી., પહોળાઈ 500 કિમી. તથા તેનો કુલ વિસ્તાર 1,96,236 ચોકિમી. છે. તેની વસ્તી 191 (2016) છે.
સ્કૅન્ડિનેવિયામાંથી નીકળી પડેલા ચાંચિયાઓ(vikings)એ દસમા શતકમાં આ ટાપુની મુલાકાત લીધી હતી તેવી માન્યતા છે. 1616માં વિલિયન બૅફિન નામના સાહસિકે તેની મુલાકાત લીધી હતી. 1852માં સર એડ્વર્ડ એ. ઇંગલફીલ્ડના નેતૃત્વ હેઠળના અભિયાન દરમિયાન ફ્રાંસિસ ઇગરટન-એલિસમેરના પ્રથમ ઉમરાવના નામ પરથી આ ટાપુને એલિસમેર નામ આપવામાં આવ્યું હતું.
ત્યાં તેલના ભંડાર મળી આવ્યા છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે