એલિયન, ગરટરુડ બેલે (જ. 23 જાન્યુઆરી 1918, ન્યૂયૉર્ક સિટી; અ. 21 ફેબ્રુઆરી 1999, ચેપલ હિલ, નૉર્થ કેરોલિના, યુ.એસ.) : 1988ના વર્ષના ઔષધ અને શરીરક્રિયાવિજ્ઞાનનાં નોબેલ પારિતોષિકનાં વિજેતા (જ્યૉર્જ હિંચિંગ્સ અને સર જેમ્સ બ્લૅકની ભાગીદારીમાં). અમેરિકન વૈજ્ઞાનિક અને પ્રાધ્યાપિકા. રૉબર્ટ અને બર્થાનાં પુત્રી. 1937માં બી. એ. (હંટર કૉલેજ) અને 1914માં એમ. એસ(ન્યૂયૉર્ક યુનિવર્સિટી)ની ઉપાધિ પ્રાપ્ત કરી. જ્યૉર્જ વૉશિંગ્ટન યુનિવર્સિટી (1969) અને મિશિગન યુનિવર્સિટી(1983)માંથી ડી. એસસી. તથા બ્રાઉન યુનિવર્સિટી(1969)માંથી ડી.એમ.એસ.ની માનદ પદવીઓ તેમને એનાયત થઈ હતી.
તેમણે કારકિર્દીની શરૂઆત ન્યૂયૉર્ક હોસ્પિટલની નર્સિંગ સ્કૂલની પ્રયોગશાળાનાં મદદનીશ તરીકે કરી હતી. અમેરિકાની ઔષધ-નિર્માણના ક્ષેત્રે જાણીતી બરોઝ વેલકમ કંપનીમાં 1944થી હિચિંગ્સ સાથે નવાં ઔષધો વિકસાવવાની દિશામાં તેમણે સંશોધન આરંભ્યું. ડ્યુક યુનિવર્સિટી અને નૉર્થ કેરોલિના યુનિવર્સિટીમાં પ્રાધ્યાપિકા તરીકે પણ કાર્ય કર્યું છે.
નીરોગી માનવકોષોની વર્તણૂક કૅન્સર કોષો તથા વિકારી જીવાણુઓ (pathological bacteria) અને વિષાણુઓ (viruses) કરતાં ભિન્ન હોય છે. આવા કોષો તથા જીવાણુઓને ઔષધોનું લક્ષ્ય બનાવી શકાય તો તેમની વૃદ્ધિ (replication) અટકાવી શકાય અને પરિણામે તે જીવાણુઓથી થતા રોગો ઉપર કાબૂ મેળવી શકાય. આ સિદ્ધાંતને ર્દષ્ટિ સમક્ષ રાખીને સંશોધન કરતાં નવીન ઔષધો વિકસાવી શકાયાં છે. ઔષધ પરત્વેના સંશોધનકાર્યમાં નવાં સંયોજનોનું સંશ્લેષણ, તેની શરીર બહાર, પ્રાણીમાં તથા મનુષ્ય શરીરમાં ચકાસણી; ઔષધ તરીકે ઉપયોગમાં આવ્યા પછી પણ તેની અણધારી તથા બિનજરૂરી આડઅસરો વગેરે બાબતોની નોંધ જરૂરી બને છે. આ કાર્ય દીર્ઘ સમય સુધી કેટલાક નિષ્ણાતોનો સહકાર, અથાગ મહેનત અને સારા એવા પ્રમાણમાં ખર્ચ માંગી લે છે; છતાં સફળતાનું પ્રમાણ ઘણું ઓછું રહે છે.

ગરટરુડ બેલે એલિયન
હિચિંગ્સ, એલિયન અને તેમના સહકાર્યકર્તાઓના 40 વર્ષના સહકારયુક્ત કાર્યમાંથી શ્વેતરુધિરતા (leukemia) માટેનું ઔષધ 6 – મર્કેપ્ટોપ્યુરીન, પરિસર્પ (herpes virus) માટેનું ઔષધ એસાઇક્લોવીર, અંગપ્રતિરોપણ(transplant)માં અસ્વીકૃતિ (rejection) અટકાવનાર ઔષધ એઝાથાયોપ્રીન કે ઇમ્યુરાન, એઇડ્ઝ (AIDS) માટેનું એકમાત્ર માન્ય ઔષધ એઝીડોથાયમિડીન (AZT) કે ઝીડોવુડીન અને જીવાણુનાશક ઔષધોની સક્રિયતામાં મોટો વધારો કરતું ટ્રાયમિથોપ્રીમ આ સંશોધનના પરિપાકરૂપે ઉપલબ્ધ થયાં છે.
એલિયન ઔષધવિજ્ઞાન સાથે સંકળાયેલી કેટલીય સંસ્થાઓનાં સભ્ય છે. ઔષધવિજ્ઞાનના કાર્ય માટે તેમને ઘણા ચંદ્રકો પણ એનાયત થયેલા છે. નિવૃત્ત થયા પછી તે સંશોધનક્ષેત્ર સાથે સંકળાયેલાં રહેલાં.
અશોક બાગચી