એલાદિવટી : આયુર્વેદિક ઔષધ. સારી લીલવા એલચી, તાજાં તમાલપત્ર તથા પાતળી (તીખી) તજ દરેક 6-6 ગ્રામ; લીંડીપીપર 20 ગ્રામ; સાકર, જેઠીમધ, ઠળિયા વગરનું ખજૂર અને બીજ વગરની કાળી દ્રાક્ષ – એ દરેક 40-40 ગ્રામ લઈ, મોટી ખરલમાં તે વાટી-ઘૂંટી, તેમાં જરૂર પૂરતું મધ મેળવીને ચણીબોર કે કાબુલી ચણા જેવડી મોટી ગોળીઓ વાળી સૂકવવામાં આવે છે. એ રીતે આ ઔષધ તૈયાર થાય છે.
માત્રા : ખાંસીમાં કે કંઠ સુધારવા 1થી 2 ગોળી મુખમાં રાખી ચૂસવાની હોય છે. બીજાં દર્દોમાં 2થી 3 ગોળી દૂધ સાથે દિવસમાં 3 વાર અપાય છે.
લાભ-ઉપયોગ : આ વટી ગુણમાં શીતળ-સૌમ્ય અને વાયુ-પિત્ત-દોષ શામક છે. તે વાયુ અને પિત્તદોષ પ્રકોપથી થતાં દર્દો જેવા કે ઉર:ક્ષત, શોષ, જ્વર (તાવ), ખાંસી, (સૂકો) શ્વાસ, હેડકી, ઊલટી, ભ્રમ (ચક્કર), મૂર્છા, મદ, તરસ, થૂંકમાં લોહી આવવું, પાંસળીઓ કે પડખાનો દુ:ખાવો, અરુચિ, બરોળનું દર્દ, ઊરુસ્તંભ, રક્તપિત્ત (રક્તસ્રાવનાં દર્દો), અને અવાજ બેસી જવો (સ્વરભંગ) જેવી તકલીફો કે રોગો નિવારે છે. તેનાથી ગરમીથી થતી બેચેની દૂર થાય છે. આ વટી સૂકી ખાંસીની રામબાણ દવા છે. સૂકી ખાંસી સાથે થતા છાતીના શૂળ-દર્દ, દાહ તથા તાવને પણ આ દવા મટાડે છે. જે લોકોને બસમાં બેસતાં ચક્કર ચડે છે, પિત્ત ચડે છે ને તેથી માથું ચડે ને ઊલટી થાય છે, તે માટે આ દવા ખૂબ લાભપ્રદ છે. બસમાં બેસીને આ ગોળી મુખમાં રાખી ચૂસવાથી ઊલટી-ચક્કર-શિર:શૂળ વગેરે ઉપદ્રવો થતા નથી.
બળદેવપ્રસાદ પનારા