એરિનપુરા ગ્રૅનાઇટ : રાજસ્થાનના સિરોહી જિલ્લાના એરિનપુરા પાસે મળી આવતા ગ્રૅનાઇટ. આ ગ્રૅનાઇટ દિલ્હી બૃહદ સમૂહ – ખડકરચનામાં મળી આવતો મુખ્ય અંતર્ભેદિત ખડક છે. અજબગઢ શ્રેણીના કૅલ્કનાઇસ ખડકોની દક્ષિણ સરહદે એરિનપુરા ગ્રૅનાઇટના અંતર્ભેદનની ક્રિયા બનેલી છે, જે ગુજરાતમાં પાલનપુર અને ઇડર અને તેની આજુબાજુ તેમજ રાજસ્થાનના જુદા જુદા વિસ્તારો જેવા કે સિરોહી, બિયાવર, જયપુર અને અલ્વર જિલ્લાઓમાં વિવૃત થયેલો છે. ગુજરાત-રાજસ્થાનની સરહદે આવેલો માઉન્ટ આબુ પર્વત એ એરિનપુરા ગ્રૅનાઇટથી બનેલો વિશાળ બેથોલિથ પ્રકારનો વિસંવાદી અંતર્ભેદક છે; જોકે કેટલાંક સ્થાનોમાં તે બૉસ અને સિલ જેવાં નાનાં અંતર્ભેદકો સ્વરૂપે પણ મળી આવે છે.
એરિનપુરા ગ્રૅનાઇટમાં સ્વરૂપ, કણકદ, કણરચના તેમજ પત્રબંધી(foliation)ની વિવિધતાઓ જોવા મળે છે. તેની અંતર્ભેદિત ઉત્પત્તિ તેમાં જોવા મળતા શિસ્ટના આગંતુક ટુકડા અને તેના સંસર્ગ પરના ખડકોની વિકૃતિ ઉપરથી સ્પષ્ટ બને છે; જોકે આ ગ્રૅનાઇટ મુખ્યત્વે તો બાયૉટાઇટ ગ્રૅનાઇટ છે; પરંતુ તેની સાથે સંકળાયેલા પેગ્મેટાઇટમાં મસ્કોવાઇટ અને ટૂર્મેલિન ખનિજો પણ જોવા મળે છે. માઉન્ટ આબુમાં આ ગ્રૅનાઇટમાં ઍમ્ફિબોલાઇટના અસંગત ટુકડા પણ જોવા મળે છે.
એક મંતવ્ય મુજબ એરિનપુરા ગ્રૅનાઇટ દિલ્હી બૃહદ સમૂહ-ખડકરચના કરતાં નવા વયનો અને વિંધ્યરચના કરતાં જૂના વયનો છે. ક્રોફોર્ડે રુબિડિયમ-સ્ટ્રૉન્શિયમ પદ્ધતિથી માઉન્ટ આબુ તેમજ સંબંધિત ગ્રૅનાઇટ ખડકોનું વય 73.5 કરોડ વર્ષનું અંદાજ્યું છે, જ્યારે અજમેર નજીક મળી આવતા એરિનપુરા ગ્રૅનાઇટનું વય 94 ± 1 કરોડ વર્ષ હોવાની ગણતરી મુકાયેલી છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે