એમોનિયાકરણ (ammoniation) : પ્રાણીઓનાં યુરિયા તથા યુરિક ઍસિડ જેવાં ઉત્સર્ગદ્રવ્યોના નાઇટ્રોજનયુક્ત ભાગને અલગ કરીને તેને એમોનિયામાં ફેરવવાની પ્રક્રિયા. ચોક્કસ પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ યુરિયા અને યુરિક ઍસિડનું વિઘટન કરી તેને કાર્બન ડાયૉક્સાઇડ અને એમોનિયામાં ફેરવે છે. મૃત વનસ્પતિ અને મૃત પ્રાણીઓના અવશેષો પર પણ તુરત જ સૂક્ષ્મ જીવાણુઓ વિઘટનની પ્રક્રિયા શરૂ કરીને નાઇટ્રોજનયુક્ત કાર્બનિક ઘટકોમાંથી એમોનિયા છૂટો પાડે છે. જોકે આમાંના નાઇટ્રોજનયુક્ત પદાર્થોનો થોડોક ભાગ સૂક્ષ્મ જીવાણુઓ પોતાના ઉપયોગમાં લે છે. સૂક્ષ્મ જીવાણુઓનું મૃત્યુ થતાં તેમના શરીરના વિઘટનથી પણ એમોનિયા છૂટો પડે છે. અનુકૂળ પરિસ્થિતિમાં સૂક્ષ્મ જીવાણુઓ એમોનિયાને ઉપચયન(oxidation)-થી નાઇટ્રોજનમાં ફેરવે છે.
હોસંગ ફરામરોજ મોગલ