એન્કીનો ધૂમકેતુ (Encke’s comet) : નિયમિત સમય-અંતરે દેખાતા અને દૂરબીન વડે નિહાળી શકાતા ધૂમકેતુઓ પૈકીનો એક ઝાંખો ધૂમકેતુ. તેનું સૌપ્રથમ નિરીક્ષણ 1786માં પ્રિયેર મેશાં નામના વિજ્ઞાનીએ કર્યું હતું. બર્લિન યુનિવર્સિટીની વેધશાળાના નિયામક જૉન ફ્રાન્ઝ એન્કીએ ગણતરીઓના આધારે 1819માં દર્શાવ્યું કે 1786, 1795, 1805 અને 1818માં જોવામાં આવેલા ધૂમકેતુઓ એક જ હતા. 1822માં તે ફરી દેખાશે એવું પણ તેણે જાહેર કર્યું હતું. કોઈ પણ ધૂમકેતુનું નામાભિધાન આમ તો તેના શોધકના નામ ઉપરથી કરવામાં આવતું હોય છે. તેમ છતાં 1822 પછી દેખાયા કરતા ઉપર્યુક્ત ધૂમકેતુને, એના કક્ષા-વિશ્લેષકના નામ ઉપરથી ‘એન્કી ધૂમકેતુ’ નામ આપવામાં આવ્યું. તેનો કક્ષા-ભ્રમણકાળ (orbital period) બધા ધૂમકેતુઓમાં સૌથી ઓછો અને આશરે 3.3 વર્ષ જેટલો છે. આવર્તકાળ સ્થાપિત થયો હોય તેવો, હેલીના ધૂમકેતુ પછીનો આ બીજો ધૂમકેતુ છે. છેલ્લાં 100 વર્ષનાં નિરીક્ષણો દર્શાવે છે કે એન્કીનો કક્ષા-ભ્રમણકાળ ધીરે ધીરે ઘટતો જાય છે. પ્રત્યેક પરિભ્રમણ દરમિયાન તેમાં આશરે અઢી કલાક જેટલો ઘટાડો થાય છે. એન્કીએ દર્શાવ્યું કે સમયનો આ ઘટાડો, ગ્રહોની ભ્રમણકક્ષામાં થતા સહેજ ફેરફારને કારણે સમજાવી શકાતો નથી. આમ ઘટાડો તો મંદ ગતિએ થતો જ રહે છે અને તેનું કારણ હજી અનિશ્ચિત રહ્યું છે. આ પ્રમાણેના સમયઘટાડાથી એવું તારવવામાં આવ્યું છે કે થોડાંક હજાર વર્ષો પૂર્વે તેની ભ્રમણકક્ષા ગુરુની ભ્રમણકક્ષા કરતાં પણ દૂર આવેલી હોવી જોઈએ. આ ધૂમકેતુની નાભિ પ્રમાણમાં નાની છે અને તેના અગ્રભાગમાં વાયુઓ આવેલા છે. સૂર્યની નજીક આવતાં તેમાંથી પંખા આકારની પૂંછડી ઉત્પન્ન થાય છે.
છોટુભાઈ સુથાર