એદલજી ડોસાભાઈ (જ. 1850; અ. 14 જૂન 1897 અમદાવાદ) : ગુજરાતના ઇતિહાસના લેખક. અમદાવાદની ગુજરાત વર્નાક્યુલર સોસાયટી(હાલની ગુજરાત વિદ્યાસભા)એ વર્નાક્યુલર ભાષા(ગુજરાતી)માં ગુજરાતનો ઇતિહાસ લખવા માટે ઇનામની જાહેરાત કરી હતી. તેમાં એદલજી ડોસાભાઈએ આ ઇતિહાસ લખીને ઇનામ મેળવ્યું હતું. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ તે ઇતિહાસ પ્રગટ કર્યો હતો. તેમનો આ ઇતિહાસ શાળાઓમાં પાઠ્યપુસ્તક તરીકે સ્વીકાર પામ્યો હતો. ફૉર્બ્સ અને ડૉ. સીવૉર્ડે તેમના ઇતિહાસની પ્રશંસા કરી હતી. તે સામાન્ય વાચકો માટે સૌપ્રથમ લખાયો હોય એવો રૂપરેખાત્મક જ છે.

ત્યારબાદ એદલજી ડોસાભાઈ સરકારી નોકરીમાં જોડાયા અને અમદાવાદના ડેપ્યુટી કલેક્ટરની નોકરીમાંથી નિવૃત્ત થયા. તે પછી તેમણે ‘રાસમાળા’ તથા ‘બૉમ્બે ગૅઝેટિયર’ વગેરે સ્રોતોને આધારે અંગ્રેજીમાં ગુજરાતનો વિસ્તૃત ઇતિહાસ ‘હિસ્ટરી ઑવ્ ગુજરાત ફ્રૉમ ધ અર્લિયેસ્ટ પિરિયડ ટુ ધ પ્રેઝન્ટ ટાઇમ’ નામથી લખ્યો અને તે 1894માં પ્રસિદ્ધ કરવામાં આવ્યો. આ ગ્રંથમાં, ચોથા ભાગ પછીનાં પ્રકરણોમાં, 1818થી 1893 સુધીની અનેક મહત્વની રાજકીય તથા સાંસ્કૃતિક ઘટનાઓ નિરૂપવામાં આવી છે.

યતીન્દ્ર  દીક્ષિત