એક્ઝિમ બૅન્ક

January, 2024

એક્ઝિમ બૅન્ક (Exim Bank  Export Import Bank of India) : ભારતની આયાત-નિર્યાત બૅન્ક. તે રાષ્ટ્રના આયાત-નિર્યાત વ્યાપારની નાણાકીય જરૂરિયાતો પૂરી પાડતી, નિર્યાત-સંસ્થાઓની પ્રવૃત્તિઓનું સંકલન કરનારી અને નિર્યાતપ્રોત્સાહક શાખ-સગવડો પૂરી પાડનારી ભારતની અગ્રિમ નાણાકીય સંસ્થા છે.

ભારતના આંતરરાષ્ટ્રીય વ્યાપારની નાણાકીય સંકલનની કાર્યવહી માટે લોકસભાએ પસાર કરેલા વિશિષ્ટ કાયદાની રૂએ એક્ઝિમ બૅન્ક 1લી જાન્યુઆરી,  1982માં સ્થપાઈ હતી. તે ભારત સરકારની સંપૂર્ણ માલિકીની સ્વાયત્ત સંસ્થા છે. આ ઉપરાંત વિદેશી નાણાકીય સંસ્થાઓ, રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયા અને ભારતની જાહેર પ્રજા પાસેથી નાણાં ઊભાં કરી નિકાસ-આયાત વેપારને ધિરાણ પૂરું પાડે છે આ પ્રકારની સંસ્થા વિશ્વમાં પ્રથમ વાર 1881માં જાપાને સ્થાપી હતી.

ભારતીય વ્યાપારી બૅન્કો તથા એક્સ્પૉર્ટ ક્રેડિટ ઍન્ડ ગૅરન્ટી કૉર્પોરેશનના સહયોગથી એક્ઝિમ બૅન્ક મહદ્અંશે નિર્યાત માટે મધ્યમ મુદતી તથા દીર્ઘમુદતી ધિરાણો આપવા ઉપરાંત આસ્થગિત અદાયગીઓની ગોઠવણો કરી આપે છે અથવા એ અંગેની બાંયધરી આપે છે. પ્રૉજેક્ટ નિર્યાત સંબંધી ધિરાણવ્યવસ્થાઓમાં પણ તે પ્રવૃત્ત રહે છે.

તેનું મહત્વ તેનાં નીચે પ્રમાણેનાં કાર્યો પરથી જાણી શકાય છે :

(1) દેશના નિકાસલક્ષી ઉદ્યોગોને નવા એકમો સ્થાપવા અથવા તેમની ઉત્પાદનક્ષમતામાં વધારો કરવા નાણાકીય સહાય પૂરી પાડવી.

(2) દેશના નિકાસ-વેપારને ધિરાણ આપતી સંસ્થાઓ(બૅંકો)ને પુન: ધિરાણની સગવડ પૂરી પાડવી.

(3) વિદેશોમાં ભારતના સહયોગથી સંયુક્ત સાહસોની સ્થાપના માટે નાણાં પૂરાં પાડવાં.

(4) યંત્રસામગ્રી અને અન્ય સાધનો ભાડાપટે(lease)થી આયાત કરવા માટે નાણાં ધીરવાં.

(5) નિકાસના ક્ષેત્રમાં તાલીમ, સંશોધન, સર્વેક્ષણ અને બજાર-સંશોધન માટે નાણાં પૂરાં પાડીને નિકાસને ઉત્તેજન આપવું.

(6) આયાત-નિકાસનું કામ કરતી કંપનીઓની તથા તેમને નાણાકીય, ટૅકનિકલ કે વહીવટી સહાય પૂરી પાડતી કંપનીઓની જામીનગીરીઓ(શૅર-ડિબેન્ચર વગેરે)ને બાંયધરી પૂરી પાડવી.

(7) ઇન્વેસ્ટમેન્ટ સેન્ટર દ્વારા જે ભારતમાં રોકાણ કરવા માંગતા હોય તેવા વિદેશી રોકાણકારોને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવું.

(8) નિકાસકારોને માલની નિકાસ પહેલાં કે નિકાસ કર્યા પછીનું ધિરાણ પૂરું પાડવું.

(9) ભારતીય વ્યાપારી ઔદ્યોગિક પેઢીઓ કંપનીઓને, તેમના સંપૂર્ણત: નિર્યાતલક્ષી ઔદ્યોગિક એકમોને વિકસાવવા માટે અગર તો તેમનાં વિદેશોમાંનાં સંયુક્ત સાહસોની શૅરમૂડીમાં રોકાણ કરવા માટે તેમજ તેમના વિદેશી ગ્રાહકોને આસ્થગિત અદાયગીઓની સગવડો પૂરી પાડવા માટે ધિરાણો આપવા ઉપરાંત હૂંડિયામણ મેળવી આપે કે તેની બચત કરી આપે તેવી વિશિષ્ટ લેવડદેવડો માટે પણ ધિરાણો આપે છે.

 (10) અધિકૃત હૂંડિયામણ વિક્રેતાઓને તેમનાં નિર્યાતલક્ષી ધિરાણો સામે પુન:ધિરાણની સગવડો તેમજ ભારતીય નિર્યાતકારોની લેણી વિદેશી હૂંડીઓના પુન:વટાવની વ્યવસ્થા તે કરે છે

 (11) વિદેશી સરકારો તથા નાણાકીય સંસ્થાઓને ભારતીય નિર્યાતો ખરીદવા માટે તેમના નાગરિકોને શાખ પૂરી પાડવા સારુ દીર્ઘકાલીન ધિરાણો આપે છે.

નિકાસ-આયાત બૅંકનું કાર્ય 16 સભ્યોની બનેલી વ્યવસ્થાપક સમિતિ (બોર્ડ ઑવ્ ડિરેક્ટર્સ) દ્વારા કરવામાં આવે છે. આ સભ્યો નાણામંત્રાલય, વિદેશમંત્રાલય, એક્સટર્નલ ઉદ્યોગ મંત્રાલય, રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયા, રાષ્ટ્રીયકૃત બૅંકો વગેરેમાંથી લેવામાં આવે છે.

વર્ષ 2001–2002માં બૅન્કની ભરપાઈ થયેલ મૂડીનું કદ રૂ. 650 કરોડ તથા અનામત ભંડોળ રૂ. 1,202 કરોડ, કુલ મૂડીરોકાણ રૂ. 8,273 કરોડ હતું. તેણે ઉપર્યુક્ત વર્ષ દરમિયાન 26 દેશોમાં 27 પરિયોજનાઓ, 11 સેવાના કરારો તથા 2 બાંધકામનાં કાર્યો માટે રૂ. 4,241 કરોડની લોન તથા રૂ. 3,453 કરોડનું ધિરાણ પૂરું પાડ્યું હતું. તેણે તે વર્ષ દરમિયાન ચોખ્ખો નફો રૂ. 154 કરોડ મેળવ્યો હતો. ક્રાઇસિલ (crisil) તથા ઇકરા (icra) દ્વારા આ બૅન્કની રૂપિયા તેમજ વિદેશી હૂંડિયામણની થાપણોનું શાખ-મૂલ્યાંકન સૌથી ઊંચું એટલે કે AAA મૂલવવામાં આવ્યું હતું.

ધીરુભાઈ વેલવન

જશવંત મથુરદાસ શાહ