એકલૉગ (eclogue) : સંવાદ કે એકોક્તિ રૂપે રચાયેલું લઘુ કે દીર્ઘકાવ્યનો એક ભાગ હોય તેવું અંગ્રેજી ગોપકાવ્ય. તેનો શબ્દશ: અર્થ સંચય થાય છે. ઈ. ત્રીજી સદીમાં થઈ ગયેલા ગ્રીક કવિ થિયોક્રિટસ દ્વારા એકલૉગનાં સ્વરૂપગત લક્ષણો રૂઢ થયાં. થિયોક્રિટસે પોતાનું જીવનદર્શન પ્રકૃતિવર્ણનની પડછે મૂક્યું છે. ગ્રામપ્રદેશના ઉલ્લાસમય જીવનને એકોક્તિ કે સંવાદ દ્વારા નિરૂપવાની ફાવટ આ કવિને ઘણી હતી. ‘વીમન ઍટ ધી ઍડોનીસ ફેસ્ટિવલ’ નામના સંવાદપ્રધાન ગોપકાવ્યમાં બે નગરવધૂઓના સંદર્ભમાં રચાતી ઘટનાઓ તેમાંના નાટ્યાત્મક અંશોને કારણે વિશેષ લોકપ્રિય છે. સિસિલીના ગોપયુવાનો અને ગોપયુવતીઓના પ્રણયપ્રસંગોનું વર્ણન કરતાં ગોપકાવ્યો થીયોક્રિટસનું વિશ્વકવિતામાં મોટું પ્રદાન ગણાય છે. પ્રણયચાટૂક્તિઓ, સ્નેહી જનોના રસિક સંવાદો-ઉપાલંભો, વિરહી હૃદયોની એકોક્તિઓ આદિમાં ગોપકાવ્યનું સ્વરૂપ વિકસ્યું છે. નિસર્ગર્દશ્યોની પડછે કૃષિજીવન-ગોપજીવનને આવરતાં આનંદ-ઉલ્લાસથી ધબકતાં ચિત્રણો ક્યારેક મૃત્યુજન્ય વિષાદને પણ સ્પર્શે છે. વર્જિલ (ઈ. પૂ. 70થી 19) દ્વારા ગોપકાવ્યનું સ્વરૂપ સામાજિક-રાજકીય વિષયો માટે પ્રયોજાય છે. દાંતે, પેટ્રાર્ક અને બોકેચિયોએ પંદરમી/સોળમી સદીમાં કાવ્યના આ સ્વરૂપને લોકભોગ્ય બનાવ્યું. માન્તુઆન અને ઍલેક્ઝાન્ડર બાર્કલેએ નોંધપાત્ર ગોપકાવ્યો લખ્યાં છે. કવિ પોપે ‘પેસ્ટોરલ્સ’ લખ્યાં છે. કવિ ગ્રે ‘શેફડર્ઝ વીક’(1714)માં ગોપકાવ્ય પ્રકારની વિડંબના કરે છે. અ-ગોપકાવ્યોનો પ્રયોગ કરતાં જોનાથન સ્વિફ્ટે ‘અ ટાઉન એકલૉગ, 1710, સીન, ધ રૉયલ એક્સચેન્જ’ આપ્યું છે. નિસર્ગદર્શનને સારવતું ગોપકાવ્યનું અંત:તત્વ સ્પેન્સરની કૃતિ ‘શેફર્ડ્ઝ કૅલેન્ડર’માં સુપેરે પ્રયોજાયું છે. પ્રકૃતિલીલાના ઘટનાચક્ર સાથે આકાર લેતું ગોપજીવન પ્રણય-વિરહ આદિ ભાવો સાથે વિકસતું અહીં જોવા મળે છે. ‘ધ એજ ઑવ્ ઍંગ્ઝાયટી’ દ્વારા ઓડને તેમજ ‘એકલૉગ ફ્રૉમ આઇસલૅન્ડ’ દ્વારા મેકનિસે ગોપકાવ્યના સ્વરૂપને રાજકીય-સામાજિક ભૂમિકાના સ્તરે પ્રયોજ્યું છે. અમેરિકન કવિ રૉબર્ટ ફૉસ્ટે ‘બિલ્ડા સોઇલ’માં ગોપકાવ્યનો પ્રયોગ કર્યો છે.
નલિન રાવળ