એકલવ્ય ઍવૉર્ડ : ભાઈઓ માટેની રાષ્ટ્રીય ખોખો હરીફાઈમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર રમતવીરને ખોખો ફેડરેશન ઑવ્ ઇન્ડિયા તરફથી દર વર્ષે અપાતો એવૉર્ડ (પુરસ્કાર). ખોખોની રમતનો વિકાસ થાય, ટેકનિક ખીલે તથા ઉત્તમ ખેલાડી બનવા માટે પ્રેરણા મળે તે ઉદ્દેશથી આ એવૉર્ડ 1964ની સાલથી દર વર્ષે શ્રેષ્ઠ ખોખો ખેલાડીને બહુમાન રૂપે અપાય છે. શરૂઆતમાં એકલવ્યની માફક એકાગ્રતા રાખી રમનારને આ ઍવૉર્ડ અપાતો; તે પછી હવે રમતમાં શ્રેષ્ઠ દેખાવ દાખવનારને આપવામાં આવે છે. ગુજરાત ક્રીડા મંડળ, વડોદરાના શ્રી સુધીર પરબને 1965 તથા 1968માં તેમજ પ્રકાશ શેઠને 1972માં આ એવૉર્ડ પ્રાપ્ત થયેલ છે. અન્ય એવૉર્ડ-વિજેતાઓમાં વિશ્વનાથ મયેકર, મોહન આજગૉવકર, સુહાસ વાઘ, ટી. પ્રકાશ, અરવિંદ પટવર્ધન, સુરેશ પોંક્ષે, હેમંત જોગદેવ, વેંકટરામન, શ્રીનિવાસન વગેરેનો સમાવેશ થાય છે.
ચિનુભાઈ શાહ