એકરમન, જોહાન્ન પીટર (જ. 21 સપ્ટેમ્બર 1792, વિન્સન, જર્મની; અ. 3 ડિસેમ્બર 1854, વેઇમાર, જર્મની) : જર્મન લેખક. મહાન કવિ ગટેના મિત્ર હતા અને 1823-1832 સુધી ગટેના મદદનીશ તરીકે સ્વૈચ્છિક સેવા આપેલી. તેમણે કવિતા વિશે લખેલ પુસ્તક ‘બૈત્રાજે ઝુર પોએસી’, (Beitrage Zar Poesie) (1825) ગટેને ખૂબ ગમ્યું હતું.
તેમણે જેન યુનિવર્સિટીમાં અંગ્રેજી અને જર્મનના પ્રાધ્યાપક તરીકે તથા ગટેના વસવાટના સ્થળ વેઈમારના સ્થાનિક પુસ્તકાલયમાં પણ સેવા આપેલી. તેમની મુખ્ય કૃતિ ‘ગેસ્પ્રાય્યે મિટ ગટે’ ત્રણ વિભાગમાં 1837-1848 દરમિયાન લખાયેલી અને છૂટક ભાગે પ્રગટ થયેલી. આ કૃતિ ગટે સાથેની વાતચીત વિશે છે અને તેના પરથી ગટેના જીવનના છેલ્લા દાયકાની રસિક માહિતી પ્રાપ્ત થાય છે. આ કૃતિના પ્રથમ ભાગનું અંગ્રેજી ભાષાંતર માર્ગારેટ ફુલરે 1839માં કર્યું હતું. સંપૂર્ણ અંગ્રેજી ભાષાંતરની નવી આવૃત્તિ ‘કૉન્વરસેશન્સ વિથ ગટે’ (1930) પ્રગટ થઈ છે.
સુરેશ શુક્લ
કૃષ્ણવદન જેટલી