એકમલક્ષી અર્થશાસ્ત્ર

January, 2004

એકમલક્ષી અર્થશાસ્ત્ર (micro-economics) : દરેક આર્થિક ઘટકના વર્તનનો સ્વતંત્ર અને મર્યાદિત પરિપ્રેક્ષ્યમાં થતો અભ્યાસ. સમગ્ર અર્થતંત્ર કે કોઈ એક આર્થિક પદ્ધતિ(system)નો એકસાથે સર્વાંગીણ અભ્યાસ કરવાને બદલે તેના દરેક વિભાગ કે ઘટકને અન્યથી જુદો પાડી, તેમાંથી માત્ર કોઈ એક એકમ સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલી પ્રક્રિયા કે વર્તનનું વિશ્લેષણ એટલે એકમલક્ષી આર્થિક વિશ્લેષણ. અર્થશાસ્ત્રનું સૌપ્રથમ નોબેલ પારિતોષિક ટિંબરેજન સાથે સંયુક્ત રીતે પ્રાપ્ત કરનાર રૅગ્નર ફ્રિશે સૌપ્રથમ ‘micro-economics’ શબ્દપ્રયોગ કર્યો હતો. પછી આર્થિક વિશ્લેષણની પદ્ધતિ તરીકે તે સાર્વત્રિક બન્યો છે. તેમાં તેની સાથે પ્રત્યક્ષ રીતે ન સંકળાયેલાં પરિબળો યથાવત્ અથવા સ્થિર છે તેવી સર્વસામાન્ય ધારણા કરવામાં આવે છે. અર્થતંત્રના નાના સ્વતંત્ર ઘટકોના કે મર્યાદિત પણ સમાનગુણી ઘટકોને આવરી લેતાં આર્થિક જૂથોના નિર્ણયો તથા તેના વ્યવહારોનું તાર્કિક વિશ્લેષણ કરી આ ઘટકો કે ઘટક-જૂથો કેવી રીતે સમતુલા પ્રાપ્ત કરે છે તે સમજાવવાનું કાર્ય એકમલક્ષી અર્થશાસ્ત્ર કરે છે; દા. ત., કોઈ એક વસ્તુનો ગ્રાહક અથવા માત્ર તે વસ્તુના ગ્રાહકોનું જૂથ, સમાનગુણી વસ્તુઓનું ઉત્પાદન કરનાર કોઈ એક પેઢી અથવા આવી પેઢીઓનો સમૂહ એટલે કે ઉદ્યોગ, કોઈ એક વસ્તુનું બજાર, ઉત્પાદનનું કોઈ એક સાધન વગેરે. અર્થતંત્રના વિવિધ ઘટકોમાંથી કોઈ એક આર્થિક ઘટકને વિશ્લેષણના મધ્યવર્તી એકમ (central focal point) તરીકે સ્વીકારી માત્ર તે એકમનો, સમયના કોઈ વિશિષ્ટ એકમના સંદર્ભમાં પ્રત્યક્ષ રીતે સંકળાયેલ પરિબળો સાથેનો પારસ્પરિક સંબંધ પ્રસ્થાપિત કરવાનો તેમાં પ્રયાસ થાય છે. બજારમાં વેચાતી અસંખ્ય વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુની કિંમત, તે વસ્તુના તે સમયનાં માગ તથા પુરવઠાના પરસ્પર સંબંધો દ્વારા કેવી રીતે નિર્ધારિત થાય છે તેનું વિશ્લેષણ એકમલક્ષી અર્થશાસ્ત્ર કરે છે. તેવી જ રીતે જુદી જુદી ઉત્પાદન-પેઢીઓમાંથી કોઈ એક પેઢીના નિયોજક દ્વારા લેવાતા આર્થિક નિર્ણયો તથા તેના વર્તન પર કયાં આર્થિક પરિબળો અસર કરે છે; સમયના કોઈ એક ગાળા દરમિયાન અર્થતંત્રમાં સર્જાતી કુલ આવકની, ઉત્પાદનનાં જુદાં જુદાં સાધનો વચ્ચે થતી વહેંચણી તથા દરેક સાધનને અપાતું વળતર કયાં પરિબળોને આધીન હોય છે તેનું અન્યથી અલાયદું વિશ્લેષણ એકમલક્ષી અર્થશાસ્ત્રનો ભાગ ગણાય છે. જમીનને મળતું ભાડું, શ્રમના એકમોને ચૂકવાતું વેતન તથા મૂડીને અપાતું વ્યાજ  આ ત્રણેયનો રાષ્ટ્રીય ઉત્પાદનની વહેંચણીના સંદર્ભમાં એકસાથે અભ્યાસ કરવાને બદલે તે દરેક સાથે સંકળાયેલ પ્રક્રિયાઓનું અલાયદું વિશ્લેષણ એકમલક્ષી ગણાય. તેવી જ રીતે અર્થતંત્રમાં સમગ્ર રીતે ઉપલબ્ધ સાધનોના જથ્થાનું અનુમાન કરી તે જથ્થો યથાવત્ રહે છે તેવી ધારણાને આધારે દરેક વસ્તુના ઉત્પાદન માટે તેની ફાળવણી કયાં આર્થિક ધોરણો દ્વારા થાય છે તથા દરેક સાધનનું વળતર અને દરેક વસ્તુની કિંમત કેવી રીતે નિર્ધારિત થાય છે તેનું વિશ્લેષણ એકમલક્ષી અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર બને છે. અર્થતંત્રના ભિન્ન ભિન્ન વિભાગોમાં થતી સાધન-ફાળવણી કાર્યક્ષમ છે કે નહિ, તે સમાજના મહત્તમ કલ્યાણને પોષક છે કે અવરોધક તેનું વિશ્લેષણ એકમલક્ષી અર્થશાસ્ત્રમાં કાર્યક્ષેત્રનો ભાગ ગણાય છે.

એકમલક્ષી અર્થશાસ્ત્રી દરેક આર્થિક માનવીને શ્રમ તથા મૂડીના પુરવઠાનો સર્જક તેમજ અર્થતંત્રમાં કોઈ નિશ્ચિત સમયે થતા વસ્તુઓ તથા સેવાઓના ઉત્પાદનનો અંતિમ ઉપભોક્તા  આ બંને ર્દષ્ટિકોણથી તપાસે છે અને તેના આ બેવડા કાર્યનું અલાયદું વિશ્લેષણ કરે છે. તેવી જ રીતે તે દરેક પેઢીને વસ્તુઓ તથા સેવાઓનું ઉત્પાદન કરનાર અને શ્રમ તથા મૂડીનો ઉપયોગ કરનાર ઘટક તરીકે સ્વીકારે છે અને તેની આ બેવડી કામગીરીનું એકબીજાથી સ્વતંત્ર વિશ્લેષણ કરે છે. અર્થકારણના ભિન્ન ભિન્ન વિભાગોને એકબીજાથી જુદા પાડી શકાય છે અને તે દરેકનો એકબીજાથી સ્વતંત્ર અભ્યાસ કરી શકાય તેવી વિભાવના પર એકમલક્ષી અર્થશાસ્ત્ર રચાયેલું છે. મુક્ત બજાર પર આધારિત અર્થતંત્રમાં ઉત્પાદન કરવામાં આવતી અસંખ્ય વસ્તુઓ અને સેવાઓ માટે ઉત્પાદનનાં સાધનોની ફાળવણી, બજારની પ્રક્રિયા દ્વારા અસંખ્ય ગ્રાહકો વચ્ચે ઉત્પાદિત ચીજવસ્તુઓ અને સેવાઓની વહેંચણી, બજારતંત્ર દ્વારા વસ્તુઓ અને સેવાઓની સાપેક્ષ કિંમતો વગેરે બાબતો કેવી રીતે નિર્ધારિત થાય છે તેનું વિશ્લેષણ કરવાનું અગત્યનું કાર્ય એકમલક્ષી અર્થશાસ્ત્ર કરે છે. ઉપરાંત, ઉત્પાદન, વપરાશ, વહેંચણી અને વિનિમયની પ્રક્રિયાઓ મહત્તમ કાર્યક્ષમતા દ્વારા હાથ ધરવામાં આવે અને પરિણામે સમાજના વિભિન્ન આર્થિક ઘટકો મહત્તમ કલ્યાણ સાધી શકે તે માટે નીતિવિષયક ધોરણો સૂચવવાનું કાર્ય એકમલક્ષી અર્થશાસ્ત્ર કરે છે. આમ એકમલક્ષી અર્થશાસ્ત્ર આર્થિક વિશ્લેષણમાં વિધેયાત્મક (positive) અને આદર્શલક્ષી (normative) એમ બેવડી કામગીરી કરે છે.

નૂતન પ્રશિષ્ટ (neo-classical) અર્થશાસ્ત્રીઓ આર્થિક પ્રક્રિયાઓના વિશ્લેષણ માટે એકમલક્ષી વિશ્લેષણપદ્ધતિનો બહોળો ઉપયોગ કરે છે. તેમાં પ્રો. આલ્ફ્રેડ માર્શલનું યોગદાન વિશિષ્ટ છે. સુપ્રસિદ્ધ અર્થશાસ્ત્રી પ્રો. કેઇન્સ વિશ્લેષણની એકમલક્ષી પદ્ધતિને આર્થિક વિશ્લેષણનાં વૈચારિક ઓજારો તથા સાધનોનું એક અનિવાર્ય અંગ ગણે છે.

વિશ્વના જે દેશોએ કેન્દ્રીય આર્થિક આયોજનની પદ્ધતિ દ્વારા આર્થિક વિકાસ સાધવાનો પ્રયાસ હાથ ધર્યો છે તેઓના અનુભવ પરથી સિદ્ધ થયું છે કે અર્થતંત્રના વિવિધ વિભાગો તથા પેટાવિભાગોમાં ચાલતી અસંખ્ય પ્રક્રિયાઓનું કોઈ એક કેન્દ્રસ્થ સત્તા દ્વારા સમગ્રલક્ષી (macro) સંચાલન કરવું લગભગ અશક્ય છે. જ્યાં જ્યાં આવા પ્રયાસો ચાલુ રાખવાનો દુરાગ્રહ રાખવામાં આવ્યો છે ત્યાં ત્યાં કાર્યક્ષમતા ઘટી છે, જેની વિપરીત અસર પ્રજાના આર્થિક કલ્યાણ પર પડી છે. મુક્ત બજાર પર આધારિત અર્થતંત્રના વિવિધ ઘટકો પોતપોતાના ક્ષેત્રમાં કેવી રીતે કાર્ય કરે છે, તેમની ઊંચી કાર્યક્ષમતા માટે કયાં પરિબળો નિર્ણાયક નીવડે છે અને સમાજના આર્થિક કલ્યાણ પર તેની કેવી વિધેયાત્મક અસર થાય છે તેનું સૂક્ષ્મ વિશ્લેષણ એકમલક્ષી અર્થશાસ્ત્ર દ્વારા કરવામાં આવે છે અને તેમાં જ તેની વિશિષ્ટ સિદ્ધિ જોઈ શકાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે