એકતંત્રી રાજ્યવ્યવસ્થા

January, 2004

એકતંત્રી રાજ્યવ્યવસ્થા : સમગ્ર દેશમાં એક જ કેન્દ્રમાંથી ચાલતી શાસનવ્યવસ્થા (unitary government system). રાજ્યોનાં વર્ગીકરણ ઘણી વાર સત્તાની વહેંચણીની ભૂમિકા ઉપર કરવામાં આવે છે ત્યારે રાજ્યોને ‘સમવાયતંત્રી’ કે ‘એકતંત્રી’ એમ બે વર્ગમાં વહેંચવામાં આવે છે. સમવાયતંત્રી રાજ્યમાં સ્થાનિક કક્ષાએ સત્તા રહે છે, જે કેન્દ્ર સરકાર તેમની પાસેથી લઈ શકતી નથી. કેન્દ્ર અને ઘટક રાજ્યો વચ્ચે સત્તા વહેંચાયેલી હોય છે અને બન્ને પોતપોતાના ક્ષેત્રમાં તે સત્તા વાપરી શકે છે.

આથી ઊલટું, એકતંત્રી રાજ્યમાં બધી સત્તા એક કેન્દ્રમાં સમાવિષ્ટ હોય છે. રાજ્યના સ્થાનિક ઘટકો જેવા કે પ્રાન્તો, જિલ્લાઓ, નગર કે ગ્રામ પંચાયતો જે કોઈ સત્તા ભોગવે છે તે કેન્દ્ર તરફથી તેમને સોંપાયેલી (delegated) હોય છે અને તે સત્તાને તે ગમે ત્યારે વધારી, ઘટાડી, ફેરવહેંચણી કે નામશેષ કરી શકે છે. આમ કરવામાં કેન્દ્ર સ્થાનિક ઘટકોને પૂછવા બંધાયેલું નથી.

એકતંત્રી બંધારણનાં બે પ્રમુખ લક્ષણો ગણાવી શકાય : (1) કેન્દ્રીય સરકારની સર્વોપરિતા, જેમાં કેન્દ્રીય ધારાસભા યા સંસદ સિવાય અન્ય કોઈ સંસ્થાને ધારા ઘડવાનો અધિકાર હોતો નથી. (2) કેન્દ્ર સિવાય અન્ય ગૌણ સાર્વભૌમ સત્તાની ગેરહાજરી.

એકતંત્રી રાજ્યવ્યવસ્થામાં ધારાકીય સત્તાની વહેંચણીની ગૂંચવાડાભરી સમસ્યા ન હોવાને કારણે બંધારણમાં ફેરફાર કરવાનું સરળ હોય છે. બાકીના બધા સંજોગો સમાન હોય તો એકતંત્રી સરકાર સમવાયી સરકાર કરતાં બળવાન ગણાય, કારણ કે તેમાં નિર્ણયો ઝડપથી લઈ શકાય છે.

એકતંત્રી રાજ્યમાં કેન્દ્રીય ધારાસભા સિવાય બીજું કોઈ ધારાકીય સત્તા ધરાવતું નથી.

ગૌણ સંસ્થાઓ જેવી કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, સાંસ્થાનિક સંસ્થાઓ વગેરેને પોતાનું આગવું અસ્તિત્વ નથી. કેન્દ્રીય સરકારનું સર્જન હોવાથી તે કેન્દ્ર સરકારની ‘એજન્ટ્સ’ બને છે. તેમને જે કંઈ સ્વાયત્તતા કે સત્તા આપવામાં આવે છે તે કેન્દ્ર સરકારની મરજી પર આધારિત હોય છે.

બ્રિટન, ફ્રાન્સ, ઇટાલી, બેલ્જિયમ, જાપાન, સ્વીડન, નૉર્વે, ડેન્માર્ક, અફઘાનિસ્તાન, ઈરાન, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલૅન્ડ, આયર્લૅન્ડ અને વિશ્વના બીજા કેટલાક દેશોમાં એકતંત્રી સરકાર અસ્તિત્વ ધરાવે છે.

એકતંત્રી સરકારમાં બંધારણ સર્વોપરી હોય છે અને તે કેન્દ્ર સરકારને તમામ સત્તાઓ આપે છે. અપવાદ રૂપે બ્રિટનમાં લિખિત બંધારણ અસ્તિત્વમાં નથી. ત્યાં ધારાસભા સર્વોપરી ‘સત્તા’ ધરાવે છે. એકતંત્રી સરકારમાં એક જ નાગરિકતા હોય છે. એટલે કે સ્થાનિક વિસ્તારમાં રહેતી વ્યક્તિ સમગ્ર રાજ્યનો નાગરિક ગણાય છે; દા. ત., બ્રિટનના લંડન પરગણા(લંડન કાઉન્ટી)માં રહેતી વ્યક્તિ બ્રિટનનો જ નાગરિક ગણાય છે.

સરમણ ઝાલા