એંજલનો નિયમ : ઓગણીસમી સદીના જર્મન આંકડાશાસ્ત્રી એંજલે (Christian Lorenz Ernst Engel) વ્યક્તિની આવક અને તેમાંથી કરવામાં આવતી જુદા જુદા સ્વરૂપની વપરાશ વચ્ચેના પ્રમાણ અંગે તારવેલો સામાન્ય નિયમ. 1857માં એંજલે જર્મનીના સેક્સની પરગણાના ત્રણ વર્ગો – શ્રમિકો, મધ્યમ વર્ગ તથા ધનિક વર્ગ-ની આવક તથા વપરાશી ખર્ચની વિગતોને આધારે કૌટુંબિક અંદાજપત્રોના કોઠા તૈયાર કર્યા અને તેને આધારે એવું સામાન્ય તારણ કાઢ્યું કે વ્યક્તિની આવકમાં જેમ જેમ વધારો થાય તેમ તેમ તેમાંથી ખોરાક જેવી જીવનજરૂરિયાતની વસ્તુઓ પર થતા ખર્ચની ટકાવારીના પ્રમાણમાં ઘટાડો થાય છે; સુખસગવડ અને મોજશોખની વસ્તુઓ પર થતા ખર્ચની ટકાવારીના પ્રમાણમાં વધારો થાય છે તથા કપડાં, રહેઠાણ, બળતણ જેવી વસ્તુઓ પર થતા ખર્ચનું પ્રમાણ સ્થિર રહે છે. ભિન્ન ભિન્ન આર્થિક જૂથોના ખર્ચના સ્વરૂપનું આ સામાન્ય છતાં સાર્વત્રિક વલણ છે. ઉપર્યુક્ત નિયમ વ્યક્તિની આવકમાંથી થતી જુદા જુદા સ્વરૂપની વપરાશ પર થતા કુલ ખર્ચનો નહિ પરંતુ ખર્ચની ટકાવારીનો નિર્દેશ કરે છે. વ્યક્તિની આવક જેમ ટાંચી તેમ તે આવકમાંથી ખોરાક જેવી વસ્તુઓની વપરાશ પર થતા ખર્ચની સાપેક્ષ ટકાવારી વધારે અને આવક જેમ વધારે તેમ તેમાંથી સુખસગવડ તથા મોજશોખ પર થતા ખર્ચની સાપેક્ષ ટકાવારી વધારે. ઉપરોક્ત વલણ નીચેના કોઠા તથા આકૃતિ વડે સ્પષ્ટ થાય છે :
વર્ગદીઠ ખર્ચનું પ્રમાણ / ટકાવારી | |||
ખર્ચની વિગત | કામદાર વર્ગ | મધ્યમ વર્ગ | ધનિક વર્ગ |
ખોરાક | 62 | 55 | 50 |
કપડાં | 16 | 18 | 18 |
રહેઠાણ | 12 | 12 | 12 |
ઊર્જા | 5 | 5 | 5 |
શિક્ષણ | 2 | 3.5 | 5.5 |
દવાદારૂ (સ્વાસ્થ્ય-સુરક્ષા) | 1 5 | 2.0 10 | 3.0 15 |
મનોરંજન | 2 | 4.5 | 6.5 |
100 | 100 | 100 |
નિયમનાં તારણો : કુટુંબની આવકમાં જેમ જેમ વધારો થાય તેમ તેમ (1) આવકમાંથી જીવનજરૂરિયાત પર થતા ખર્ચની ટકાવારી ઘટે છે. (2) આવકમાંથી સુખાકારી તથા મોજશોખ પર થતા ખર્ચની ટકાવારી વધે છે. (3) આવકમાંથી અન્ય બાબતો; દા. ત.;, રહેઠાણ, ઊર્જા વગેરે પર થતા ખર્ચની ટકાવારી યથાવત્ અથવા સ્થિર રહે છે.

એંજલનો નિયમ
ઉપરની આકૃતિમાં (1) ox ધરી પર આવકનું પ્રમાણ અને OY ધરી પર ખર્ચનું પ્રમાણ દર્શાવવામાં આવ્યું છે. (2) a a1 રેખા ઉપરથી નીચે ઢળે છે જે આવકમાં વધારા સાથે ખોરાક જેવી જીવનજરૂરિયાત પર થતા ખર્ચના પ્રમાણમાં ક્રમશ: ઘટાડો થાય છે તેમ દર્શાવે છે. (2) bb1 રેખા નીચેથી ઉપર જવાનું વલણ ધરાવે છે જે સુખાકારી તથા મોજશોખની વસ્તુઓ પર થતા ખર્ચના પ્રમાણમાં ક્રમશ: વધારો થાય છે તેમ સૂચવે છે. (3) c c1 રેખા ox ધરીને સમાંતર છે જે અન્ય ચીજવસ્તુઓના ખર્ચનું પ્રમાણ યથાવત્ રહેતું હોવાનું સૂચવે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે