ઍલ્યુશિયન ટાપુઓ : ઉત્તર અમેરિકા ખંડની છેક ઉપર પશ્ચિમ બાજુએ યુ.એસ.નું અલાસ્કા રાજ્ય આવેલું છે. અલાસ્કાની નૈર્ઋત્ય બાજુએ ઍલ્યુશિન ટાપુઓ આવેલા છે. પૅસિફિક મહાસાગરમાં બૅરિંગ સમુદ્રમાં આ ટાપુઓ એક લાંબી સાંકળ સ્વરૂપે 1,600 કિમી. સુધીની લંબાઈ ધરાવે છે. તેમાં 20 જેટલા જ્વાળામુખી ટાપુઓનો સમાવેશ થાય છે. આ ઍલ્યુશિયન ટાપુઓ અલાસ્કા રાજ્યના એક દ્વીપકલ્પ સમાન છે. તે ઍલ્યુશિયન પૂર્વ અને ઍલ્યુશિયન પશ્ચિમ એવા બે ભૌગોલિક વિભાગોમાં વહેંચાયેલા છે. તેમની વસ્તી 2000 મુજબ અનુક્રમે 2,464 અને 9,478 જેટલી છે. શરૂઆતથી જ અહીં એસ્કિમોની વસ્તી છે. પહેલાં અહીં ખાસ કોઈ આવતું નહિ. પરંતુ 1867માં રશિયા પાસેથી અલાસ્કી 72 લાખ ડૉલરમાં યુ.એસ.એ.એ. ખરીદ્યો પછી સોનાની ખાણ, ખનિજ તેલ અને કુદરતી ગૅસ મળી આવ્યાં. અલાસ્કામાં વસ્તી વધતાં, ઍલ્યુશિયન ટાપુઓનો વિકાસ શરૂ થયો. મત્સ્યઉદ્યોગ અહીં મહત્ત્વનો છે. સીલ અને સાલમન જેવી માછલીઓ પકડાય છે. ટાપુઓ પરનાં પોચાં લાકડાનાં જંગલોમાં સ્પ્રુસ, પાઇન, હૅમલોક જેવાં વૃક્ષો ઊગે છે. રૂંવાંવાળાં પ્રાણીઓનો શિકાર કરીને તથા મચ્છીમારી દ્વારા એસ્કિમો પોતાનું ગુજરાત ચલાવે છે.
ગોવિંદભાઈ વિસરામભાઈ પટેલ