ઍલિસ સ્પ્રિન્ગ્સ

January, 2024

ઍલિસ સ્પ્રિન્ગ્સ : ઑસ્ટ્રેલિયાના નૉર્ધર્ન ટેરિટરી રાજ્યમાં આવેલો રણદ્વીપ. ભૌગોલિક સ્થાન : તે મકરવૃત્ત નજીક 23° 42’ દ. અ. અને 133° 53’ પૂ. રે.ની આજુબાજુનો આશરે 2,60,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ રણદ્વીપમાં તે જ નામ ધરાવતું નગર આ વિસ્તારનું વહીવટી મથક તેમજ મહત્ત્વનું પ્રવાસ-મથક પણ છે. મોટેભાગે શુષ્ક રહેતી ટૉડ નદીને કાંઠે વસેલું આ નગર ડાર્વિનથી 1,500 કિમી. દક્ષિણે તેમજ એડેલેડથી 1,650 કિમી. ઉત્તરે આવેલું છે. આ નગર મધ્ય ઑસ્ટ્રેલિયામાં આવેલી મૅકડોનાલ્ડ ગિરિમાળામાં સમુદ્રસપાટીથી આશરે 580 મીટરની ઊંચાઈએ આવેલું છે. આ વિસ્તારની આબોહવા રણપ્રકારની છે. અહીં સરેરાશ વાર્ષિક વરસાદ આશરે 276 મિમી. જેટલો પડે છે. ખેડૂતો તેમના કૃષિપાકો તેમજ પશુપાલન માટે પાતાળકૂવાઓ દ્વારા પાણી મેળવે છે. પશુપાલન પ્રવૃત્તિમાંથી દૂધની પેદાશોનું ઉત્પાદન લેવાય છે. અહીં બાગાયતી ખેતી દ્વારા ખાટાં ફળો અને ખજૂર પણ મેળવાય છે. આ વિસ્તારમાંથી ખનિજ તેલ, કુદરતી વાયુ, સોનું, તાંબું, ટંગસ્ટન અને અબરખ મેળવવામાં આવે છે. આ ઉપરાંત અહીં પીણાં, ઈંટો, રેસા અને ધાતુનાં પતરાં બનાવવાના એકમો વિકસેલા છે.

આ નગર ડાર્વિનથી એડેલેડ જતા મુખ્ય માર્ગ પર આવેલું છે. તે એડેલેડથી જતા રેલમાર્ગ પરનું અંતિમ મથક છે. આ રેલમાર્ગ 1929માં સ્થપાયેલો. તે બિનતારી સંદેશાવ્યવહારનું મહત્ત્વનું કેન્દ્ર પણ છે. રેડિયો દ્વારા અપાતા શિક્ષણનું તે મુખ્ય મથક છે. ઑસ્ટ્રેલિયાનાં મુખ્ય શહેરો સાથે તે હવાઈ માર્ગથી પણ સંકળાયેલું છે.

ઍલિસ સ્પ્રિંગ્સ મધ્ય ઑસ્ટ્રેલિયા વિસ્તારનું જાણીતું વિહારધામ છે. અહીં શિયાળાના મેથી સપ્ટેમ્બર માસ દરમિયાન સરેરાશ 9 લાખ જેટલા પ્રવાસીઓની અવરજવર રહે છે. આયર્સ રૉક, માઉન્ટ કોનોર અને માઉન્ટ ઓલ્ગા અહીંનાં ખૂબ જ જાણીતાં પ્રવાસ-સ્થળો છે. ઍલિસ સ્પ્રિંગ્સ આવતા પ્રવાસીઓ ડેવિલ્સ માર્બલ્સ, સિમ્પ્સન ગૅપ નૅશનલ પાર્ક, સ્ટેન્ડલી ચૅઝમ અને પામ વેલીની પણ મુલાકાત લે છે. આ ઉપરાંત અહીં અન્ય કેટલાંક જોવાલાયક સ્થળો પણ છે. સંશોધક જ્હૉન મૅક્ડુઅલ સ્ટુઅર્ટે 1860માં ભૌગોલિક ર્દષ્ટિએ ઑસ્ટ્રેલિયાના મધ્યભાગ તરીકે ગણાતા આ વિસ્તારની મુલાકાત લીધેલી. તે વખતે આ પ્રદેશ ‘સ્ટુઅર્ટ’ નામથી ઓળખાતો હતો, પરંતુ 1888માં તેને ‘ઍલિસ સ્પ્રિંગ્સ’ નામ અપાયું. 1949માં નેવિલ સિલ્યુટ નામના લેખકે ‘A Town Like Alice’ નામની નવલકથા લખેલી. તેના પરથી એક ફિલ્મ પણ બનેલી. 1872માં ચાર્લ્સ હેવીટ્રી ટૉડે પૉર્ટ ઑગસ્ટાથી ડાર્વિન સુધીની ટેલિગ્રાફ લાઇન નાખી હતી. તેના આ સેવાકાર્યને લક્ષમાં રાખીને અહીંથી પસાર થતી નદીને ટૉડ નામ અપાયેલું છે. 2011 મુજબ આ નગરની વસ્તી 25,536 જેટલી છે.

નીતિન કોઠારી

ગિરીશભાઈ પંડ્યા