ઍલન, આર. જી. ડી. (જ. 3 જૂન 1906 યુ. કે.; અ. 29 સપ્ટેમ્બર 1983 યુ. કે.) : સુવિખ્યાત ગાણિતિક, અર્થશાસ્ત્રી તથા આંકડાશાસ્ત્રી. ઇંગ્લૅન્ડના કેમ્બ્રિજ ખાતેની સિડની સસેક્સ કૉલેજમાં શિક્ષણ પૂરું કર્યા પછી 1928માં લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં અધ્યાપક તરીકે જોડાયા. ગ્રાહકના બુદ્ધિયુક્ત વર્તનના સૈદ્ધાંતિક વિશ્લેષણમાં, ક્રમવાચક તુષ્ટિગુણની વિભાવના પર આધારિત સમતૃપ્તિ વક્રરેખા (તટસ્થ રેખા) વિશ્લેષણનો વધુ તર્કસંગત ઉપયોગ થઈ શકે છે તે સાબિત કરતો તેમનો તથા પ્રો. જે. આર. હિક્સનો સંયુક્ત લેખ 1934માં ‘ઇકૉનૉમિકા’માં પ્રકાશિત થયો; ગ્રાહકના વર્તનના વિશ્લેષણક્ષેત્રે તે પથપ્રદર્શક નીવડ્યો. 1937માં તે ઇંગ્લૅન્ડના નાણાખાતામાં આર્થિક સલાહકાર તરીકે જોડાયા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વૉશિંગ્ટન ખાતે ડિરેક્ટર ઑવ્ રેકૉર્ડઝ ઍન્ડ સ્ટેટિસ્ટિક્સ ઑવ્ ધ બ્રિટિશ સપ્લાય કાઉન્સિલ ઍન્ડ ઑવ્ ધ કમ્બાઇન્ડ પ્રોડક્શન ઍન્ડ રિસોર્સિસ બૉર્ડ – એ પદ પર કાર્ય કર્યું. 1944-73 દરમિયાન લંડન યુનિવર્સિટીમાં આંકડાશાસ્ત્રના પ્રોફેસર તરીકે સેવા આપી. ઇંગ્લૅન્ડમાં કુટુંબો પર લાદવામાં આવતા આવકવેરાના દરોની અસરોની તપાસ કરવા માટે નિમાયેલ તપાસપંચના ચેરમેનપદે તેઓ નિમાયા. 1965માં સમિતિનો અહેવાલ સુપરત કરવામાં આવ્યો. તેનું મુખ્ય તારણ એ હતું કે આવક પરના પ્રવર્તમાન દરો અવનતિકારક અસરો ઉપજાવે છે.
તેમણે લખેલા ગ્રંથોમાં ‘મૅથેમેટિકલ ઍનાલિસીઝ ફૉર ઇકોનૉમિસ્ટ’ (1938), ‘સ્ટેટેસ્ટિક્સ ફૉર ઇકોનૉમિસ્ટ’ (1949), ‘મૅથેમેટિકલ ઇકૉનૉમિક્સ’ (1956), ‘મૅક્રો ઇકોનૉમિક થિયરી અ મૅથેમેટિકલ ટ્રીટમેન્ટ’ (1967) ખૂબ જાણીતાં છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે