ઍરી, જ્યૉર્જ બિડલ (સર) (જ. 27 જુલાઈ 1801, ઍલનવીક, નૉર્ધમ્બરલૅન્ડ, ઇંગ્લૅન્ડ; અ. 2 જાન્યુઆરી 1892, ગ્રિનિચ, લંડન) : વિવિધ વિષયોમાં પ્રવીણતા ધરાવનાર અંગ્રેજ વિજ્ઞાની; અને સાતમો ક્રમાંક ધરાવતા રાજ-ખગોળશાસ્ત્રી (Royal Astronomer) (1835થી 1881). 46 વર્ષ જેટલા લાંબા સમય સુધી આ સ્થાન શોભાવી, નવાં ઉપકરણો વસાવીને, રાજ્યની ગ્રિનિચની વેધશાળાના આધુનિકીકરણ માટે તેઓ ખ્યાતિ પામ્યા હતા. કેમ્બ્રિજમાંથી સ્નાતક થયા પછી, તે જ યુનિવર્સિટીમાં ખગોળશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. બ્રિટનની ખગોળવિદ્યાની પ્રગતિ તેમને આભારી છે. 1838માં શાહી નૌકાદળ માટે, નાવિકના માર્ગદર્શન માટેના હોકાયંત્રમાં રહેલી ક્ષતિના નિવારણ માટેની પદ્ધતિ વિકસાવી. અંગ્રેજ ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી ઍડમ્સ જ્હૉન કાઉચે, 1845માં, 24 વર્ષની નાની વયે સૌપ્રથમ એવી આગાહી કરી કે યુરેનસના ગ્રહની પાછળ એક બીજો ઉપગ્રહ રહેલો હોવાની શક્યતા છે. તે ઉપરથી ફ્રેન્ચ વિજ્ઞાની અબ્રમ લવેરિયરે 23 સપ્ટેમ્બર, 1846ના રોજ તે નવા ગ્રહ નેપ્ચૂનની શોધ કરી. ઍડમ્સની આગાહી ઉપરથી, કાર્યવિલંબને કારણે થોડાક મોડા પડવાથી, નેપ્ચૂનની પ્રથમ શોધ કોણે કરી તેના વિવાદમાં ઍરીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. તે અંગે ઍરી યાદગાર બન્યા છે. તેઓ ખૂબ કુશળ વ્યવસ્થાપક પણ હતા. ગ્રિનિચની વેધશાળાના નોંધપાત્ર સુધારાવધારા તથા ફરીથી ઉપયોગમાં લેવાયેલાં લગભગ વિસ્મૃત અવલોકનો આનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. બુધ તેમજ ચંદ્રની કક્ષીય ગતિ માટે તેમણે સુધારા સૂચવ્યા હતા. 1845માં એક ઊંડી ખાણના પ્રવેશદ્વારે તથા તેના ખૂબ ઊંડાઈએ આવેલા તળિયા આગળ, લોલકની મદદથી તેનો આવર્તનકાળ નક્કી કરી, તેમણે ગુરુત્વપ્રવેગ(g)નાં મૂલ્યો મેળવ્યાં. તેની ઉપરથી પૃથ્વીના ઘનત્વની ગણતરી કરી.
પ્રકાશના ક્ષેત્રે પણ તેમનું પ્રદાન છે. પોતાની આંખમાં ‘ઍસ્ટિગમૅટિઝમ’(astigmatism)ની ખામી હોવાથી, તે ખામી નળાકાર ર્દગકાચ વાપરીને સુધારી શકાય છે તેવું તેમણે 1827માં જણાવ્યું હતું. [ઍસ્ટિગમૅટિઝમ એ માનવઆંખના પારદર્શક પટલ (cornea) અને નેત્રમણિ(lens)ની વક્રતાની સમતલતાના અભાવને કારણે ઉદભવતી, ર્દષ્ટિની ખામી છે. તેને કારણે સપાટીના જુદા જુદા ભાગ ઉપરથી એકસરખું વક્રીભવન ન થવાથી, નેત્રપટલ (retina) ઉપર અસ્પષ્ટ પ્રતિબિંબ રચાય છે.] તેમણે પ્રકાશના વ્યતિકરણથી રચાતી શલાકાઓ(interference fringes)નો અભ્યાસ કર્યો અને મેઘધનુષ્ય માટે ગાણિતિક સિદ્ધાન્ત આપ્યો. બિંદુમય પ્રકાશ-ઉદગમ (point source of light) વડે નીપજતી વિવર્તન ભાત(diffraction pattern)માં દેખાતા મધ્યસ્થ પ્રકાશબિંબ(spot of light)ને તેમના નામ ઉપરથી ‘ઍરી બિંબ’ (Airy disc) નામ આપવામાં આવેલું છે. 1871માં પાણીથી ભરેલો ટેલિસ્કોપ વાપરીને, પ્રકાશના માર્ગમાં થતા વિચલન (aberration) ઉપર પૃથ્વીની ગતિની કોઈ અસર છે કે કેમ તેની ચકાસણી તેમણે કરી હતી. ઓછી ઘનતાવાળાં મૂળિયાંના બંધારણને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેની જરૂરી સમસ્થિતિક સામ્યાવસ્થા (isostatic equilibrium) માટે પર્વતની નીચે આવેલી જમીન ખૂબ અનુકૂળ છે, તેવો સિદ્ધાન્ત સ્થાપનાર તેઓ પ્રથમ હતા. 1872માં બ્રિટિશ સરકારે તેમને ‘નાઇટહૂડ’(સર)ના ઇલકાબથી સન્માનિત કર્યા હતા.
એરચ મા. બલસારા