ઍમહર્સ્ટ : અમેરિકાના મૅસેચૂસેટ્સ રાજ્યના હૅમ્પશાયર પરગણામાં કનેક્ટિકટ નદીની ખીણમાં આવેલું નગર. ભૌ. સ્થાન : 42o 22′ ઉ. અ. અને 72o 31′ પ. રે.. તે સ્પ્રિંગફીલ્ડથી ઈશાન દિશામાં 35 કિમી.ના અંતરે છે. ત્યાં વસવાટની શરૂઆત 1731માં થઈ હતી. 1759માં તેને જિલ્લાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. 1776માં નગર તરીકે તેની નોંધણી થઈ હતી.

ઉત્તર અમેરિકાનાં યુદ્ધોમાં પરાક્રમ માટે જાણીતા થયેલા બ્રિટિશ સેનાપતિ જેફ્રી ઍમહર્સ્ટની યાદમાં આ નગરનું નામ ઍમહર્સ્ટ પડ્યું છે. આ શહેરની વસ્તી 40,258 (2022) છે.

તેના ખેતીનિર્ભર અર્થતંત્રમાં ખેતપેદાશો ઉપરાંત પશુપાલન તથા મરઘાં-બતકાં-ઉછેર જેવા સંલગ્ન વ્યવસાયોનો વિકાસ થયેલો છે. ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓના ધામ તરીકે તે વિશેષ જાણીતું છે. ત્યાં 1863માં કૃષિશિક્ષણ માટે શરૂ થયેલી લૅન્ડ ગ્રાન્ટ કૉલેજના વિસ્તારમાં આજે મૅસેચૂસેટ્સ યુનિવર્સિટી છે. ઉપરાંત ઍમહર્સ્ટ કૉલેજ, હૅમ્પશાયર કૉલેજ, ઍમહર્સ્ટ એકૅડેમી તથા અન્ય જાણીતી સંશોધન-સંસ્થાઓનો ત્યાં વિકાસ થયેલો છે. નગરમાં રૉબર્ટ ફ્રૉસ્ટ ગ્રંથાલય, મીડ આર્ટ વસ્તુસંગ્રહાલય, પ્રૅટ જિયૉલૉજી મ્યુઝિયમ, મ્યુઝિયમ ઑવ્ નૅચરલ હિસ્ટરી, વિજ્ઞાન-સંશોધન કેન્દ્રો તથા સંગીત અને કલાના ઉત્કર્ષ માટેની વિવિધ સંસ્થાઓ આવેલાં છે. અમેરિકાના જાણીતા કવિ એમિલી ડિકિન્સન આ નગરમાં જન્મ્યા અને રહ્યા હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે