ઍબેટ, નિકોલો દેલ (જ. આશરે 1512, મોદેના, ઇટાલી; અ. 1571, ફૉન્તેનેબ્લો, ફ્રાન્સ) : મૅનરિસ્ટ શૈલીનો ઇટાલિયન ચિત્રકાર. મૅનરિસ્ટ શૈલીનો ફ્રાન્સમાં પ્રસાર કરવા માટે તેમજ ફ્રેન્ચ નિસર્ગચિત્રની પરંપરાના ઉદ્ભવ માટે પ્રેરકબળ પૂરું પાડનાર.

શિલ્પી એન્તોનિયો બેગારેલીનો તે શિષ્ય હતો. સમકાલીન ચિત્રકારો કોરેજિયો અને પાર્મિજિયાનિનોના પ્રભાવે ઍબેટની કલાએ પુખ્તતા મેળવી. કારકિર્દીના આરંભે તે બોલોન્યા નગરમાં રહ્યો. 1552માં ફ્રાન્સના રાજા હેન્રી બીજાએ તેને હંમેશ માટે પોતાના ફૉન્તેનેબ્લો ખાતેના મહેલ પર તેડાવી લીધો. ફ્રાન્ચેસ્કો પ્રિમાતિચિયો નામના ચિત્રકારના સહયોગમાં તેણે વિશાળ કદનાં ભીંતચિત્રો ચીતર્યાં, જેમાંનાં મોટાભાગનાં નાશ પામ્યાં છે. નિસર્ગનો વિષય ધરાવતાં તેનાં મોટાંભાગનાં કૅન્વાસ પરનાં તૈલચિત્રો 1643માં ઑસ્ટ્રિયન રાજકુમારી એનાએ સળગાવી દીધાં. રાજા ચાર્લ્સ નવમા માટે તેણે ચીતરેલાં નિસર્ગ અને પુરાકથાલેખનના સંયોજનરૂપ તૈલચિત્રો બચ્યાં છે. આ ચિત્રોના પ્રભાવ હેઠળ ફ્રેન્ચ ચિત્રકારો ક્લોદ લોરેઇન અને નિકોલસ પુસોંએ ચિત્રણા કરી. તેણે ગાલીચા માટેનાં ભાતચિત્રો પણ તૈયાર કરેલાં.

અમિતાભ મડિયા