ઍન્ડેસાઇટ (andesite) : અગ્નિકૃત ખડકો માટે હેચે તૈયાર કરેલા વર્ગીકરણ મુજબનો એક સબ-ઍસિડિક જ્વાળામુખી ખડક. તેમાં પ્લેજિયોક્લેઝ-ફેલ્સ્પારનું પ્રમાણ આલ્કલી ફેલ્સ્પાર કરતાં વધુ હોવાને કારણે તેનો સોડા-લાઇમ શ્રેણીમાં સમાવેશ કરેલો છે. પ્લેજિયોક્લેઝ-ફેલ્સ્પારનું પ્રમાણ અન્ય ખનિજો કરતાં વધુ હોય છે. તેમાં આલ્કલી ફેલ્સ્પારનું પ્રમાણ અલ્પ હોય છે. ઓગાઇટ, હોર્નબ્લેન્ડ અને બાયોટાઇટ એ તેમાં જોવા મળતાં ઘેરા રંગવાળાં અન્ય ખનિજો છે. આ ખડકના બંધારણમાં એનોર્થાઇટ નામના પ્લેજિયોક્લેઝનું An પ્રમાણ An 35 – An 70ના ગાળામાં હોય છે, પરંતુ પ્લેજિયોક્લેઝનું સરેરાશ રાસાયણિક બંધારણ સામાન્યત: એન્ડેસિન (Ab 70 – An 30) નામના પ્લેજિયોક્લેઝનું હોય છે. આ ખડકની કણરચના પૉર્ફિરિટિક કે સૂક્ષ્મ દાણાદાર હોય છે. પૉર્ફિરિટિક કણરચનાવાળા આ ખડકમાં પ્લેજિયોક્લેઝ, ઓગાઇટ, હૉર્નબ્લેન્ડ કે બાયૉટાઇટ મહાસ્ફટિક રૂપે મળી આવે છે. વધુમાં આ પ્રકારની કણરચનાવાળા ખડકમાં પ્લેજિયોક્લેઝ મહાસ્ફટિકો કૅલ્શિયમની વિપુલતાવાળા હોય છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે