ઍન્કેરેમાઇટ (ankaramite) : ઑગાઇટ-સમૃદ્ધ, ઓલિવિનયુક્ત ઘેરા રંગવાળો બેસાલ્ટ. ઘેરા રંગવાળાં ખનિજોના પ્રમાણને આધારે બેસાલ્ટ ખડકોનું એક સરળ વર્ગીકરણ કરવામાં આવેલું છે. બેસાલ્ટ ખડકો કે જેમાં ઘેરા રંગવાળાં ખનિજોનું પ્રમાણ સરેરાશ કરતાં વધુ હોય તેમને ‘Metabasalts’ કહેવામાં આવે છે. સામાન્ય રીતે બેસાલ્ટ ખડકો પ્લેજિયોક્લેઝ (મુખ્યત્વે લેબ્રેડોરાઇટ), ઑગાઇટ અને ઓલિવિન ખનિજોથી બનેલા હોય છે. બેસાલ્ટના કેટલાક પ્રકારો ઘેરા રંગવાળાં ઑગાઇટ, ઓલિવિન અને લોહધાતુખનિજોથી એટલા બધા પ્રમાણમાં સમૃદ્ધ બની જતા હોય છે કે તેમનું બંધારણ અલ્ટ્રાબેઝિક થઈ જાય છે. તેથી બેસાલ્ટના આવા પ્રકારોને મૂળ સામાન્ય બેસાલ્ટથી જુદા પાડવાનું જરૂરી બની જાય છે. આ પ્રકારના બેસાલ્ટમાં ફેલ્સ્પાર તદ્દન ગૌણ પ્રમાણમાં હોય છે અથવા હોતો નથી.
બેસાલ્ટમાં મુખ્ય મેફિક ખનિજ તરીકે ઑગાઇટ હોય ત્યારે તેને (માલાગાસી, ઍન્કેરેમી પરથી) ઍન્કેરેમાઇટ કહે છે. જો ઓલિવિન વિપુલ પ્રમાણમાં હોય તો તેને (લેક્રોઇક્સના સૂચવ્યા મુજબ) ઓશિયેનાઇટ કે પિકટાઇટ-બેસાલ્ટ કહે છે. ઍન્કેરેમાઇટને મળતા આવતા કાચ-સમૃદ્ધ ઘટકોવાળા બેસાલ્ટને ઑગિટાઇટ તેમજ ઓશિયેનાઇટને મળતા આવતા કાચ-સમૃદ્ધ ઘટકોવાળા બેસાલ્ટને લિમ્બરગાઇટ કહે છે. ઍન્કેરેમાઇટ અને ઓશિયેનાઇટ એ અલ્ટ્રાબેઝિક બંધારણ તરફ ઢળતી મૅગ્માજન્ય સ્વભેદન-પેદાશો છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે
ગિરીશભાઈ પંડ્યા