ઍનેકોંડા: યુ.એસ.ના મૉન્ટાના રાજ્યના નૈર્ઋત્ય ભાગમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 46o 07′ ઉ. અ. અને 112o 56′ પ. રે.. તે બુટેથી વાયવ્યમાં આશરે 40 કિમી.ને અંતરે વૉર્મ સ્પ્રિન્ગ્ઝ ખાડી પર આવેલું છે. અગાઉના વખતમાં ડિયર લૉજ કાઉન્ટીનું મુખ્ય મથક હતું. 1977માં તેને આ કાઉન્ટી જોડે ભેળવી દઈને તેનો એક વહીવટી એકમ બનાવાયો છે. તે તાંબાના ધાતુગાળણ ઉદ્યોગ તથા ફૉસ્ફેટના ઉત્પાદન માટે જાણીતું છે. માર્ક્સ ડાલી દ્વારા 1883માં અહીં મળતા તાંબાના અયસ્કના ધાતુગાળણ-ઉદ્યોગના એકમનો પાયો નંખાયો ત્યારે શહેરનો વિકાસ શરૂ થયો. અહીં તાંબાની ખાણો આવેલી હોવાથી શરૂઆતમાં તેનું નામ કૉપરોપોલિસ રહેલું. 1887-1888માં, ડાલીની ઍનેકૉંડા ખાણ પરથી, તેનું નામ ઍનેકૉંડા રખાયું. તે વખતે તાંબાનો આ ગાળણઉદ્યોગ દુનિયાભરમાં મોટામાં મોટો હતો, જે 1980માં બંધ કરવામાં આવ્યો છે. અગાઉ આ ધાતુગાળણ ઉદ્યોગમાંથી સુવર્ણ, ચાંદી, સીસું, જસત અને આર્સેનિકની પણ ધાતુગાળણક્રિયા કરવામાં આવતી હતી. ત્યારે અહીં વિહારધામો, છાવણીઓ, શિકારપ્રદેશ, મત્સ્યપ્રવૃત્તિ, જંગલો જેવાં આકર્ષણો હતાં.
બીજલ પરમાર