ઍક્વિનો, બેનિગ્નો સાઇમન જુ. (જ. 27 નવેમ્બર 1932, તારલેક, ફિલિપાઇન્સ; અ. 21 ઑગસ્ટ 1983, ફિલિપાઇન્સ) : ફિલિપાઇન્સમાં ફર્દિનાન્દ માકૉર્સના પ્રમુખપણા હેઠળ લશ્કરી કાયદાના અમલ દરમિયાન (1972-81) વિરોધપક્ષના પ્રમુખ નેતા. જનરલનું પદ (rank) ધરાવતા ફિલિપાઇન્સના એક ઉચ્ચ લશ્કરી અધિકારીના પૌત્ર, જમીનદાર તથા જાણીતા રાજકીય નેતાના પુત્ર. માત્ર 17 વર્ષની વયે તેઓ પત્રકાર થયા તથા ચાર વર્ષ પછી 1953માં હુક (Huk) નેતા લુઈ તાકુકની શરણાગતિ વખતે સક્રિય ભાગ ભજવ્યો. 1955માં તે કન્સેપ્શિયનના નગરપતિ, 1959માં તારલૅક પ્રાંતના વાઇસ-ગવર્નર તથા 1961માં તે જ પ્રાંતના ગવર્નર બન્યા. 1967માં તેઓ દેશની સેનેટના સભ્ય તથા 1968માં લિબરલ પક્ષના રાષ્ટ્રીય સ્તરના નેતા બન્યા.
1972માં દેશમાં લશ્કરી કાયદો જાહેર થતાં તેમની ધરપકડ કરવામાં આવી તથા સામ્યવાદીઓને સહાય કરવાના આક્ષેપ હેઠળ 1977માં તેમને મૃત્યુદંડની શિક્ષા કરવામાં આવી. 1972–80 દરમિયાન કારાવાસ ભોગવ્યા પછી મૃત્યુદંડની સજામાં ઘટાડો કરવામાં આવ્યો અને તેની સાથે જ હૃદયની બાયપાસ સર્જરી માટે અમેરિકા જવાની તેમને રજા આપવામાં આવી. અમેરિકામાં રહ્યા તે દરમિયાન (1980–83) હાર્વર્ડ યુનિવર્સિટી અને મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલૉજીમાંથી સંશોધન-શિષ્યવૃત્તિ મેળવી. 1981માં દેશમાં લશ્કરી કાયદો દૂર થતાં સામાન્ય ચૂંટણીની સંભવિતતા ધ્યાનમાં લઈને તેમાં ભાગ લેવા 1983માં તેઓ સ્વદેશ પાછા ફર્યા. મનીલા વિમાનમથકે વિમાનમાંથી નીચે ઊતરતાં તેમની પર ગોળી મારીને હત્યા કરવામાં આવી.
તેમની હત્યા પછી તેમનાં પત્ની કોરાઝોન ઍક્વિનોએ વિરોધપક્ષનું નેતૃત્વ સંભાળ્યું અને માકૉર્સ પદભ્રષ્ટ થયા પછી દેશમાં યોજાયેલ પ્રમુખપદની ચૂંટણીમાં વિજયી બન્યાં.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે