ઋણમોકૂફી (moratorium) : ઋણની સમયસરની ચુકવણીની ફરજમાંથી અમુક સમય માટે દેવાદારોને અપાતી વૈધિક મુક્તિ. દેશના આંતરિક દેવાદારોને આવી મુક્તિ સરકારના ફરમાન દ્વારા આપવામાં આવે છે, તો ક્યારેક આંતરરાષ્ટ્રીય સ્તર પર તે ઋણ આપનાર સંસ્થા બે પક્ષ વચ્ચે થયેલી સમજૂતી અનુસાર આપે છે. ફરજિયાત ધોરણે ભરતી કરાયેલા (conscripted) સૈનિકોને આવી સવલત અપાઈ હોય તેવા ઘણા કિસ્સા ઇતિહાસમાં સાંપડે છે. યુરોપનાં મિત્રરાષ્ટ્રોને 1931માં અમેરિકાએ યુદ્ધસમયના ઋણની ચુકવણીમાંથી એક વર્ષ માટે મુક્તિ આપી હતી. વિશ્વમહામંદી(1929)ની અસર હેઠળ પીડાતા અર્થતંત્રનાં કેટલાંક ક્ષેત્રોને ફરી બેઠાં કરવાના હેતુથી અમેરિકાનાં સંલગ્ન રાજ્યોની સરકારોએ માર્ચ, 1933ના અરસામાં ઋણમોકૂફી બહાલ કરવા માટેનાં પગલાં લીધાં હતાં. તેને અનુસરીને દેશની સમવાયતંત્રી સરકારે પણ તેવી નીતિ અખત્યાર કરી હતી અને બૅંકોમાં રજા જાહેર કરીને બૅંકોમાંથી થાપણોનો ઉપાડ અટકાવ્યો હતો.
કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો અને કેન્દ્રીય તેમજ નાણાકીય નિગમો દ્વારા ઉદ્યોગીકરણને પ્રોત્સાહન પૂરું પાડવા માટે વ્યાજ તથા મુદ્દલની ચુકવણી સીમિત કાપ માટે મોકૂફ રાખવાની દરખાસ્ત ઉદ્યોગોને કરે છે. વધુ પ્રોત્સાહન માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો વેચાણવેરાની ચુકવણી મોકૂફ રાખવાની દરખાસ્ત પણ પ્રસ્તુત કરે છે. કેટલાક અનિવાર્ય સંજોગોમાં ઉદ્યોગોને ઋણમાફી પણ બક્ષવામાં આવે છે.
માંદા ઔદ્યોગિક કંપની ધારો-1988માં સતત નાણાકીય નુકસાન અનુભવતા ઉદ્યોગો માટે ઔદ્યોગિક અને નાણાકીય પુન:સક્રિય મંડળની સ્થાપના કરવામાં આવી હતી. જે એકમોની કુલ ખોટ તેની કુલ અસ્કામતોના મૂલ્ય જેટલી જ અથવા તો વધુ હોય અને છેલ્લાં બે વર્ષમાં તેણે નાણાકીય ખોટ ભોગવી હોય તેને વિશે સંચાલકોએ મંડળને માહિતી પૂરી પાડવી આવશ્યક બને છે. પૂરી ચકાસણી પશ્ચાદ્ મંડળને યોગ્ય લાગે તો એકમને પુન: સક્રિય કરવા માટે વિવિધ મદદ કરવામાં આવે છે. જેમાં એકમને મુદ્દલ તેમજ વ્યાજના ધિરાણને ઋણ-મોકૂફી દ્વારા પુન: સક્રિય કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. 2001ની બજેટ જાહેરાત અનુસાર એકમનું આ કાર્ય રાષ્ટ્રીય કંપની કાનૂન પંચ સંભાળશે.
ભારતમાં પણ ઋણમોકૂફી માટે સરકારના સ્તરે અવારનવાર પગલાં લેવામાં આવ્યાં છે; દા. ત., અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિની વિપરીત અસરમાંથી ખેડૂતોને રાહત આપવા માટે તગાવી લોન જેવા કૃષિઋણની ચુકવણીમાંથી અમુક સમય માટે મુક્તિ આપવામાં આવે છે. માંદા ઔદ્યોગિક એકમોને તેવા જ પ્રકારની રાહત આપવા માટે ‘ધ સિક ઇન્ડસ્ટ્રિયલ કંપનિઝ (સ્પેશ્યલ પ્રોવિઝન) ઍક્ટ 1985’ હેઠળ જોગવાઈ કરવામાં આવી છે. (કલમ : 22, પેટા કલમ : 3)
સોવિયત સંઘના પ્રમુખ મિખાઇલ ગોબૉર્ચેવે સૂચવ્યું હતું કે ત્રીજા વિશ્ર્વના દેશોને તેમના આંતરરાષ્ટ્રીય દેવાની ચુકવણીમાં રાહત આપવા માટે 100 વર્ષની ઋણમોકૂફી બહાલ કરવી જોઈએ. પરંતુ આ સૂચનનો સ્વીકાર થયો નથી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે