ઊર્ધ્વરેષે, પ્રભાકર વામન (જ. 9 જાન્યુઆરી 1918, ઇન્દોર; અ. 10 જુલાઈ 1989, નાગપુર) : પ્રસિદ્ધ મરાઠી લેખક અને અનુવાદક. તેમની આત્મકથાસ્વરૂપ કૃતિ ‘હરવલેલે દિવસ’ માટે તેમને 1989નો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ઇન્દોરમાં. તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. મરાઠીનાં પ્રસિદ્ધ સામયિકોમાં સામાજિક અને રાજનૈતિક વિષયો પર લેખો અને વાર્તાઓથી તેમની સાહિત્યિક કારકિર્દીનો પ્રારંભ થયો હતો.
1944થી 1951 સુધી સામ્યવાદી પક્ષના પૂર્ણકાલીન કાર્યકર્તા તરીકે તેમણે કામગીરી કરી અને તે દરમિયાન પક્ષના સામયિક ‘મશાલ’ અને ‘પીપલ્સ વૉર’નું સંપાદન કર્યું. ત્યારબાદ તેમણે પક્ષમાંથી છૂટા થઈ નાગપુર ખાતે અધ્યાપનકાર્ય શરૂ કર્યું. નાગપુર યુનિવર્સિટીના ભાષાવિજ્ઞાન અને વિદેશી ભાષાઓના વિભાગના વડા તરીકે 1979માં તેઓ નિવૃત્ત થયા.
તેમણે કેટલાક પ્રશિષ્ટ રશિયન ગ્રંથોનો મરાઠીમાં અનુવાદ કર્યો છે. ગૉર્કીની નવલકથા ‘મધર’ના મરાઠી અનુવાદ બદલ તેમને 1967નો ‘સોવિયેત લૅન્ડ’ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. રાજનૈતિક, સામાજિક તથા શૈક્ષણિક વિષયોના તેમણે 200થી વધુ લેખો અને અનેક વાર્તાઓ પ્રગટ કર્યાં છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘હરવલેલે દિવસ’ ભારતીય સામ્યવાદી પક્ષમાંના તેમના અનુભવો પર આધારિત આત્મકથા છે. વસ્તુપરકતાને કારણે તેમની આ કૃતિ ઐતિહાસિક વૃત્તાંત કરતાં પણ વધુ મહત્વ ધરાવે છે. તેમના માર્મિક વિશ્લેષણ તેમજ સુસ્પષ્ટ અંતર્દષ્ટિને લીધે આ પુસ્તક તે પ્રકારના મરાઠી સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે.
બળદેવભાઈ કનીજિયા