ઊર્ત જાં હેન્દ્રિક

January, 2004

ઊર્ત, જાં હેન્દ્રિક (Oort Jan Hendrik) (જ. 28 એપ્રિલ 1900, નેધરલેન્ડઝ; અ. 5 નવેમ્બર 1992 લાઈજન, દક્ષિણ હોલેન્ડ) : નેધરલૅન્ડનો એક અગ્રણી ખગોળશાસ્ત્રી. ગ્રોનિંજન (Groningen) યુનિવર્સિટીનો સ્નાતક. લાઇડન (Leiden) યુનિવર્સિટી તેમજ વેધશાળા સાથે આજીવન સંબંધ. 1945થી 1970 સુધી વેધશાળામાં પૂર્ણ સમયના પ્રોફેસર અને નિયામક તરીકે સેવાઓ આપી.

ઊર્તની શોધ : (1) મંદાકિની(galaxy)ની દિશા તેમજ તેના કેન્દ્રનું પૃથ્વીથી અંતર અને તેના દળનું માપ. (2) 1950માં તેના સાથીઓના સહકારથી મંદાકિનીની સર્પિલ સંરચના (spiral structure) અંગે રેડિયોસાધન દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી. (3) 1950માં પ્રકાશિત કરેલ ધૂમકેતુ (comets) અંગેનો વાદ, જે સૂચવે છે કે સૂર્ય, નજીકના તારાઓના ગુરુત્વકીય ક્ષોભ(gravitational perturbations)ના કારણે ઉદભવતા ધૂમકેતુના દ્રવ્યના દૂર આવેલા વાદળથી ઘેરાયેલો છે.

ઊર્તના મંતવ્ય અનુસાર મંગળ અને ગુરુ વચ્ચેનો એક ગ્રહ વૈશ્વિક વિક્ષેપને કારણે તૂટી જતાં તેનો ભંગાર ત્રણ રીતે વિખેરાઈ ગયો : (ક) કેટલોક ભાગ અવકાશમાં દૂર છટકી જઈ વિલુપ્ત થયો, (ખ) કેટલાક પિંડોને મોટા ગ્રહોએ ખેંચી લીધા, (ગ) શેષ ભાગ અતિદીર્ઘ વૃત્તીય ભ્રમણકક્ષામાં ધૂમકેતુના સ્વરૂપે ઘૂમવા લાગ્યો, જેના પિંડો દ્વારા સૂર્યથી ખૂબ દૂરના અંતરે (1,50,000 આકાશી એકમ – A. u.) ધૂમકેતુ-વાદળ રચાયું છે.

છોટુભાઈ સુથાર