ઊર્જન (excitation) : કોઈ પ્રણાલી (system) કે સાધન-(apparatus)ના એક ભાગને ઊર્જા આપતાં બીજો ભાગ કોઈ વિશિષ્ટ કાર્ય કરે તે સ્થિતિ (અવસ્થા). અણુ કે પરમાણુના ઇલેક્ટ્રૉન અથવા ન્યૂક્લિયસને બહારથી ઊર્જા આપતાં ધરાવસ્થા(grouand state)માંથી ઊંચી ઊર્જા-અવસ્થા પ્રાપ્ત કરે તો તેને પણ ઊર્જન કહેવામાં આવે છે. કોઈ એક પ્રણાલી કે સાધનનું ઊર્જન પ્રણાલીમાં અન્યત્ર ઊર્જાનું સ્થાનાંતરણ અથવા ઊર્જાના વહનનું નિયંત્રણ કરે છે. નિર્ગમ ઊર્જા(output energy)ની સરખામણીમાં તેનાં સ્રોત, સ્વરૂપ, સ્તર અથવા સ્થાનની ર્દષ્ટિએ ઊર્જન ઊર્જા તદ્દન ભિન્ન હોય છે. ઊર્જન એક પ્રાથમિક અસર ઉપજાવે છે, જે અન્ય મધ્યસ્થ ભૌતિક ઘટના સાથે સંકળાઈને દ્વિતીયક અસર ઉપજાવે છે.
એક ગતિક લાઉડસ્પીકર (dynamic loudspeaker) ક્ષેત્રકુંડલી(field-coil)માં ઊર્જન વીજપ્રવાહનો ઉપયોગ કરી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. જ્યારે અવાજ-કુંડલી(voice coil)ને શ્રાવ્ય સંકેત મળે છે ત્યારે તે બીજું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, જે પ્રથમ ચુંબકીય ક્ષેત્ર સાથે આંતરપ્રક્રિયા કરીને અવાજ-કુંડલીને ગતિ આપે છે. અંતે સ્પીકરના અવાજશંકુ(voice cone)ને પણ ગતિ આપે છે. તેને પરિણામે અવાજ ઉત્પન્ન થાય છે.
અવાજ-ચલચિત્ર(audio motion picture)-પ્રક્ષેપક-(projector)માં ઉત્તેજક દીવાનો ઉપયોગ કરવામાં આવે છે, જે પ્રકાશના સ્રોત તરીકે કાર્ય કરે છે. જ્યારે પ્રકાશ અપારદર્શક ધ્વનિપટ્ટી પરથી પસાર થાય છે ત્યારે સંવેદનશીલ ઉત્થાપક (pickup) જુદી જુદી તીવ્રતા ધરાવતી પ્રદીપ્તિ (illumination) મેળવે છે, તેને કારણે તે જુદા જુદા ધ્વનિસંકેત ઉત્પન્ન કરે છે.
પ્રસ્ફુરણ દીવો (fluorescent lamp) પણ ઉત્તેજક પ્રવાહનો ઉપયોગ કરે છે, જે દીવામાંના વાયુમાં પારજાંબલી વિકિરણ ઊત્પન્ન કરે છે. દીવાની ટ્યૂબમાં લગાડેલ ફૉસ્ફોર પડ વડે આ વિકિરણ શોષાય છે, અને ર્દશ્ય પ્રકાશ ઉત્પન્ન કરે છે.
મનુષ્યનું હૃદય ગતિપ્રેરક(pace maker)ના ઘટતા વીજપારત્વચા (transmembrane) વિભવને ઉત્તેજિત કરીને વીજસંકેત ઉત્પન્ન કરે છે, જ્યારે હૃદયની આજુબાજુના રેખિત (straited) સ્નાયુઓને આ વીજસંકેત મળે છે ત્યારે તે નજીકના સ્નાયુઓને પણ વીજસંકેત પ્રદાન કરે છે, જે ચયાપચય ઊર્જાનો ઉપયોગ કરી હૃદયને સંકોચે છે, તેથી હૃદયના ધબકારા ચાલુ રહે છે.
સચ્ચિદાનંદ પ્રકાશ ભટનાગર
શશીધર ગોપેશ્વર ત્રિવેદી