ઉષ્માસંવહન (convection) : અસમાન તાપમાનના વિતરણના કારણે ઉદભવતી વાયુ કે પ્રવાહીની ગતિ. ઉષ્માવહનમાં અતિસૂક્ષ્મ દરે ઊર્જાનું સ્થાનાન્તર થાય છે, તો ઉષ્માસંવહન દ્રવ્યના મોટા જથ્થાની ગતિથી ઉદભવે છે. તરલ(fluid)ને આપેલી ઉષ્મા, ઉષ્માના ઉત્પત્તિસ્થાનની નજીકના પ્રદેશના દ્રવનો પ્રસાર કરે છે. આ પ્રદેશના દ્રવની ઘનતા આજુબાજુના પ્રદેશના દ્રવ કરતાં ઓછી હોય છે અને તેથી તે ગુરુત્વાકર્ષણની અસર નીચે ઊર્ધ્વ દિશામાં ગતિ કરે છે. આ જ રીતે તરલનો કોઈ ભાગ ઠંડો પાડવામાં આવે તો તે વધુ ઘટ્ટ બને છે, અને તેથી નીચે ગતિ કરે છે. આવા દરેક પ્રકારમાં ઉષ્માસંવહનનો પ્રવાહ ઉત્પન્ન થાય છે; તે આખા દ્રવમાં ગતિ કરી, ઉષ્માનું સ્થાનાન્તર કરે છે અને તાપમાનનું પુન: વિતરણ કરે છે. આમ તરલ(પ્રવાહી કે વાયુ)માં ઉષ્માસંવહન અગત્યની ઘટના છે.
સૂર્યમાંથી આપણે ઉષ્મા મેળવીએ છીએ એ બાદ કરતાં ઉષ્માસંવહન પ્રકૃતિમાં સામાન્ય ઘટના છે. વિષુવવૃત્તીય પ્રદેશમાં સૂર્યની ઉષ્મા હવાને ગરમ કરે છે અને તેથી હવા ઊંચે ચઢે છે. આથી આ પ્રદેશમાં હવાનું દબાણ ઘટી જાય છે. વધારે ઊંચા અને વધારે ઠંડા અક્ષાંશોમાંથી હવા આ પ્રદેશો તરફ જોરથી ફૂંકાય છે. આને વ્યાપારી પવનો કહે છે. વળી ગરમ થયેલી હવા વિષુવવૃત્તથી દૂર ઉત્તર અને દક્ષિણ સુધી જાય છે. આમ ઉષ્માસંવહન, સમશીતોષ્ણ કટિબંધની આબોહવાને સમધાત રાખવામાં મદદ કરે છે.
ગલ્ફસ્ટ્રીમ જેવા દરિયાના પ્રવાહ ઉષ્માસંવહનનાં જાણીતાં ઉદાહરણ છે. જે દેશોની સમીપ આવા પ્રવાહો વહે છે તેની આબોહવા પર ઉષ્માસંવહનની અસર થાય છે. ઉષ્માસંવહનના પ્રવાહથી ભયંકર વાવાઝોડાં જેવી હવાની અતિ તીવ્ર સ્થિતિ ઉદભવે છે.
ઉષ્માસંવહનના પ્રવાહથી કોઈ યાંત્રિક સાધનની મદદ વગર મકાનોને ગરમ કે ઠંડાં રાખી શકાય છે. ઠંડી કે ગરમ હવા ગુરુત્વાકર્ષણની અસર નીચે ગતિ કરે છે અને મકાનનું યોગ્ય તાપમાન જાળવે છે.
હિંમતલાલ ચૂનીલાલ શુક્લ