ઉલ્બ્રિચ, વૉલ્ટર (જ. 30 જૂન 1893, લિપઝિગ; અ. 9 ઑગસ્ટ 1973, ઈસ્ટ બર્લિન) : જર્મનીના સામ્યવાદી નેતા, જર્મન લોકશાહી ગણતંત્ર(GDR : પૂર્વ જર્મની)ના રાષ્ટ્રપ્રમુખ તથા કુશળ સંયોજક અને વહીવટકર્તા. 1912માં સોશિયલ ડેમોક્રૅટિક પક્ષમાં જોડાયા. પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) આવતાં બે વાર લશ્કર છોડીને ભાગી ગયા હતા. જર્મનીના સામ્યવાદી પક્ષના (1918) સ્થાપક સભ્યોમાંના એક ગણાય છે. 1920માં મૉસ્કો ખાતેની લેનિન સ્કૂલમાં તેમણે રાજકીય તાલીમ પ્રાપ્ત કરી હતી. 1923માં તેઓ પક્ષની કેન્દ્રીય સમિતિમાં ચૂંટાયા. 1928-33 દરમિયાન જર્મન સમવાયતંત્રના નીચલા ગૃહના સભ્ય બન્યા. 1929થી સામ્યવાદી પક્ષને સંગઠનાત્મક નેતૃત્વ પૂરું પાડ્યું. જર્મનીમાં હિટલર સત્તા પર આવ્યો ત્યારે ઉલ્બ્રિચે દેશવટો સ્વીકાર્યો. તે દરમિયાન પૅરિસ, મૉસ્કો અને સ્પેન(1936-39)માં જર્મનીના સામ્યવાદી પક્ષના પ્રતિનિધિ તરીકે કાર્ય કર્યું. 1941માં મૉસ્કો ગયા અને ત્યાં જર્મન યુદ્ધબંદીઓને પ્રચારાત્મક રાજકીય શિક્ષણ આપવાની જવાબદારી ઉપાડી. એપ્રિલ 1945માં જર્મની પાછા ફર્યા, સામ્યવાદી પક્ષની પુન:રચના કરી તથા રશિયાના કબજા હેઠળના ક્ષેત્રમાં વહીવટી તંત્રની પુન:સ્થાપના અને આયોજનની જવાબદારી સ્વીકારી. 1946માં સોશિયલ ડેમોક્રૅટિક પક્ષ તથા જર્મન સામ્યવાદી પક્ષના જોડાણથી સોશિયાલિસ્ટ યુનિટી પાર્ટીની સ્થાપનામાં તેમણે સક્રિય ભાગ ભજવ્યો હતો. 1949માં જર્મન ડેમોક્રૅટિક રિપબ્લિક(GDR)ની સ્થાપના થતાં તેના વાઇસ ચેરમેન બન્યા. 1950માં સોશિયાલિસ્ટ યુનિટી પાર્ટી(સામ્યવાદી પક્ષ)ના જનરલ સેક્રેટરીનું પદ સંભાળ્યું. 1960માં પૂર્વ જર્મનીનું સર્વોચ્ચ પદ – ચેરમેન ઑવ્ કાઉન્સિલ ઑવ્ સ્ટેટ – અને તેની રૂએ સર્વસત્તાધીશ બન્યા. મે 1971માં સામ્યવાદી પક્ષના પ્રથમ સચિવના હોદ્દા પરથી પદભ્રષ્ટ થયા. છતાં રાષ્ટ્રપ્રમુખના પદ પર મૃત્યુ (1973) સુધી ચાલુ રહ્યા.
રશિયાની નીતિના તેઓ પ્રખર પુરસ્કર્તા હતા. રશિયાએ હિટલર સાથે કરેલા બિનઆક્રમણના કરારને તથા માર્શલ સ્ટૅલિનના જમાનામાં રશિયામાં રાજકીય શુદ્ધીકરણ(political purges)ના નામે જે કૃત્યો કરવામાં આવ્યાં તેને ઉલ્બ્રિચે વફાદારીપૂર્વક ટેકો આપ્યો હતો.
તેમના વહીવટની તીવ્ર કઠોરતાને લીધે 1953માં પૂર્વ જર્મનીમાં ખુલ્લો બળવો થયો હતો અને પૂર્વ જર્મનીમાંથી પશ્ચિમ જર્મની તરફ હજારો શરણાર્થીઓની વણઝાર શરૂ થઈ હતી. તેને અટકાવવા માટે 1956માં બર્લિનની દીવાલ ઊભી કરવામાં આવી હતી. તેમણે અપનાવેલ આર્થિક નીતિ અને સુધારાને લીધે વિશ્વના સામ્યવાદી દેશોની હરોળમાં પૂર્વ જર્મની સર્વોચ્ચ જીવનધોરણની સપાટી પર પહોંચ્યું હતું.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે