ઉલા : તમિળના 96 કાવ્યપ્રકારોમાંનો એક. ઉલા પ્રેમકાવ્યનો પ્રકાર છે. એ પ્રકારમાં કવિ નગરની વીથિઓમાં ફરતાં ફરતાં રાજા અથવા ઈશ્વરની પ્રતિ જુદી જુદી વયના કન્યાના પ્રેમનું વિવિધ પ્રકારે નિરૂપણ કરતો હોય છે. પ્રારંભિક ઉલાકૃતિઓમાં જીવાત્માના પરમાત્મા પ્રત્યેના પ્રેમનું વર્ણન હતું. એમાં ભક્તિની સાત સ્થિતિઓનું વર્ણન કરવા કવિઓએ સાત જુદી જુદી વયની કન્યાઓને, નરરૂપે અવતરિત ઈશ્વર પર અનુરક્ત થયેલી દર્શાવી છે. પછીથી રાજાઓનું મહિમાગાન કરવા માટે આ કાવ્યરીતિનો પ્રયોગ થવા માંડ્યો. કવિઓએ રાજાનું અદભુત સૌંદર્ય જોઈને કન્યાઓનાં મન તથા શરીરમાં થતાં પરિવર્તનોનાં વર્ણનો કર્યાં છે. ‘તિરુકૈલાયજ્ઞાન ઉલા’, ‘મૂવર ઉલા’, ‘તિરુપ્યુવણાનાદર ઉલા’, ‘તિરુવાનૈકા ઉલા’ ઇત્યાદિ કેટલીક પ્રસિદ્ધ કલાકૃતિઓ છે.
કે. એ. જમના
અનુ. ચન્દ્રકાન્ત મહેતા