ઉમ્માચુ (1952) : પ્રસિદ્ધ મલયાળમ નવલકથા. લેખક ઉરૂબ (જ. 1915). તેનું કથાનક એક મધ્યમ વર્ગની મુસ્લિમ ગૃહિણી ઉમ્માચુના સંઘર્ષમય જીવન પર કેંદ્રિત છે. ઉમ્માચુનું લગ્ન તેણે પસંદ કરેલા પુરુષ માયનની સાથે નહિ, પણ અન્ય પુરુષ સાથે થાય છે. માનવમનની ઊંડી સમજ અને સહાનુભૂતિ આ નવલકથામાં લેખકે દર્શાવી છે. વિવિધ જાતિ અને કોમના માનવોની વિવિધ સામાજિક માન્યતાઓ આ નવલકથામાં વણાયેલ છે. આ માનવો એકબીજાને ચાહે છે તેમજ ધિક્કારે છે. તેઓ હસે છે, રડે છે, અને ગુસ્સો કરે છે. ઉમ્માચુનો પ્રેમી માયન ઉમ્માચુના સહકારથી તેના પતિની રહસ્યમય હત્યા કરી, ઉમ્માચુ સાથે પરણે છે; પરંતુ ઉમ્માચુના પ્રથમ પતિથી થયેલો પુત્ર આ હત્યાનું રહસ્ય જાણે છે, એવો ખ્યાલ આવતાં માયન આપઘાત કરે છે. ઉમ્માચુના પુત્રો અંદરોઅંદર લડે છે અને ઉમ્માચુનું જીવન અકારું બની જાય છે. મલબારના બહુરંગી ગ્રામજીવનનું આ નવલકથામાં સુંદર ચિત્રણ છે. ધારાવાહિક નવલકથાનો નમૂનો પૂરો પાડતી આ પ્રથમ મલયાળમ કૃતિ છે. આ નવલકથા પરથી ચિત્રપટ પણ ઉતારવામાં આવ્યું છે.
અક્કવુર નારાયણન્
અનુ. ચન્દ્રકાન્ત મહેતા